ઇન્ડિયન પોટાશ કંપનીએ JDCC બેંકને રૂ. 20 કરોડ આપી 30 વર્ષ માટે ભાડાપટ્ટે આપવા કરાર કર્યા
ફેક્ટરી શરૂ થતા 20 હજાર લોકોને રોજગારી મળશે
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા ગીર
- Advertisement -
તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ઈન્ડિયન પોટાશ લિમિટેડને 30 વર્ષના ભાડાપટ્ટે આપવા તાલાલા ખાંડ ફેકટરીના મેનેજમેન્ટે એગ્રીમેન્ટ કરી આપતા 12 વર્ષથી બંધ તાલાલા ખાંડ ફેક્ટરી ફરીથી ધમધમતી થશે. આ સમાચારથી તાલાલા પંથકમાં સર્વત્ર આનંદ છવાયો છે. તાલાલા, સુત્રાપાડા, વેરાવળ, મેંદરડા, માળીયા, વિસાવદર, ગીર ગઢડા એમ સાત તાલુકામાં કાર્યક્ષેત્ર ધરાવતી તાલાલા ખાંડ ફેક્ટરી સંસ્થાની આર્થિક સ્થિતિ નબળી પડી જતાં સંસ્થા ઉપર કરજ વધી જતા તે 12 વર્ષથી બંધ પડી હતી. આ ખાંડ ફેક્ટરીનું તાલાલા પંથકની રોનક અને સમુદ્ધીમાં અમુલ્ય યોગદાન હોય સંસ્થા ફરીથી ધમધમતી કરવા લાંબા સમયથી માગણી થતી હતી.
આ અંતર્ગત સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા, ગીર પંથકના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારના સહયોગથી સંસ્થા ઇન્ડિયન પોટાશ કંપની-નવી દિલ્હીને 30 વર્ષના ભાડાપટ્ટે આપવા નિર્ણય લેવાયો હતો. જેથી ખાંડ ફેક્ટરી ઉપર જૂનાગઢ JDCC બેંકનું રૂ. 42 કરોડનું કરજ હોય વન ટાઈમ સેટલમેન્ટ દરમિયાન ઉંઉઈઈ બેંકની વડી કચેરીએ ખેડૂતોની સંસ્થાના રૂ. 22 કરોડ માફ કરી બાકી, કરજ રૂ. 20 કરોડ કરી આપ્યું હતું. જેનો ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીએ રૂ. 20 કરોડનો ચેક જૂનાગઢ બેંકના ચેરમેન કિરીટ પટેલને અર્પણ કરતા તાલાલા ખાંડ ફેક્ટરી કરજ મુક્ત થઈ હતી.
ખાંડ ફેક્ટરી કરજ મુક્ત થતા ફેક્ટરીના ચેરમેન ભીમસી બામરોટીયા તથા એમ.ડી. ચીનાભાઈ કામળીયા દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી.ના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં ઈંઙક કંપનીના એમ.ડી ગેહલોત, વાઇસ પ્રેસિડેન્ટ નીરજ શર્માને તાલાલા ખાંડ ફેક્ટરી 30 વર્ષના ભાડાપટ્ટે આપવા એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું હતું.
તાલાલા ખાંડ ફેક્ટરીના કર્મચારી તથા અન્ય બાકી કરજ પણ કંપની દ્વારા ગણતરીના દિવસોમાં ચૂકવી આપવા તથા ખાંડ ફેક્ટરી આવતા વર્ષથી ચાલુ કરવા આઈ.પી.એલ. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. તાલાલા પંથકની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરીથી ધમધમતી થવાના સમાચારને તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોએ ઉમળકાભેર વધાવી ખુશી વ્યક્ત કરી હતી. તાલાલા પંથક સહિત સાત તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ તાલાલા ખાંડ ફેકટરીને ફરી શરૂ કરવામાં સહભાગી સર્વેનો તાલાલા ખાંડ ફેક્ટરીનાં ચેરમેન ભીમશી બામરોટીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.
સિંહોના રહેઠાણ અને કેસર કેરીના મલક તરીકે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ તાલાલા વિસ્તારમાં આવેલ એકમાત્ર ખાંડ ઉદ્યોગ શરૂ થતા અંદાજે 20 હજાર જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થશે પરિણામે ખુશ્બુદાર કેસર કેરીના ગઢ તાલાલા પંથકની સમૃદ્ધિ અને રોનકમાં અનેક ગણો વધારો થશે. આઈ.પી.એલ.કંપની દ્વારા તાલાલા ખાંડ ફેક્ટરી શરૂ થતા શેરડીના ઉત્પાદક ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવો મળશે. જેથી ખેડૂતો અને ખેતી ની સમૃદ્ધિ વધશે પરિણામે તાલાલા વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ થશે.