આગામી દિવસોમાં 10થી15 વધુ રાબડા શરૂ થશે:એક ટન શેરડી નો ભાવ રૂ.3 હજાર: ભાવ વધવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
- Advertisement -
તાલાલા પંથકમાં ખુશ્બુદાર આરોગ્યવર્ધક દેશી ગોળની સિઝન નો શુભારંભ થયો છે..પ્રથમ તબક્કામાં 20 ગોળના રાબડા શરૂ થયાં છે. તાલાલા પંથકના વિવિધ ગામના શેરડી ઉત્પાદક કિસાનો તથા ખુશ્બુદાર દેશી ગોળ બનાવતા રાબડા ના સંચાલકો પાસેથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના વિવિધ ગામોમાં આયુર્વેદીક દેશી ગોળ બનાવતા અંદાજે 20 જેટલાં ગોળના રાબડા શરૂ થયાં છે. આગામી દિવસોમાં વધુ 10 થી 15 ગોળના રાબડા શરૂ થવાની ધારણા છે.તાલાલા પંથકમાં અત્યારે દરરોજ નું બે હજાર ગોળના ડબ્બા નું ઉત્પાદન થઈ રહ્યું છે જેમાં ક્રમશ: વધારો થશે.અત્યારે ગોળના ભાવ ગત વર્ષ કરતાં સારા મળી રહ્યા છે.એક ડબો ગોળ 1050 માં વેંચાણ થઈ રહ્યું છે જે ગત્ વર્ષ કરતા ભાવ વધુ છે.રાબડાના સંચાલકો ખેડૂતો પાસેથી રૂ.3000 લેખે એક ટન શેરડી ખરીદી રહ્યા છે.શેરડીના ભાવમાં આગામી દિવસોમાં વધારો થશે કારણકે આ વર્ષે તાલાલા ખાંડ ફેક્ટરી પણ શરૂ થઈ રહી છે. ગોળના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ધુળેટી સુધી ગોળની સિઝન ચાલવાનો અંદાજ છે.સિઝન દરમ્યાન ચાર લાખ આસપાસ ગોળના ડબ્બા નું ઉત્પાદન થવાનો તજજ્ઞોએ જણાવ્યું છે.ગત્ વર્ષે પણ ચાર લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન થયું હતું.તાલાલા પંથકમાં આગામી દિવસોમાં વધુ ગોળના રાબડા શરૂ થતાં જ તાલાલા પંથકમાં આરોગ્યવર્ધક દેશી ગોળ ની ખુશ્બુ સર્વત્ર પ્રસરી જશે.
નાના પેકિંગમાં ગોળનું વેચાણ શરૂ થયું
તાલાલા પંથકના ખુશ્બુદાર,ઓર્ગેનિક દેશી ગોળની માંગ દિવસે દિવસે વધી રહી છે કેસર કેરીની જેમ લોકો ગોળની ખરીદી માટે રાબડા ઉપર જઈ રહ્યા છે.ગ્રાહકોની માંગ ધ્યાને લઈ રાબડા સંચાલકોએ એક થી ચાર કિલોના ગોળના નાના આકર્ષક પેકિંગ બનાવવાનું શરૂ કર્યું છે.નાના પેકિંગમાં બનાવેલ દવા વગરનો દેશી ગોળના ડબ્બા નું રાબડા ઉપર વેચાણ થઈ રહ્યું છે.
- Advertisement -
ગોળના રાબડા શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ
તાલાલા પંથકના વિવિધ ગામોમાં ચાલતા દેશી ગોળના રાબડા ને કારણે આ વર્ષે ત્રણ હજાર લોકોને આજીવિકા પ્રાપ્ત થશે.તાલાલા પંથકના ગૃહ ઉદ્યોગ સમાન ગોળના રાબડા માં નાના આકર્ષક પેકિંગમાં તૈયાર થતાં ગોળના ડબ્બા રાબડા ઉપરથી ખરીદ કરી ટેમ્પો ભરી અનેક લોકો બહાર વેચાણ કરી આજીવિકા પ્રાપ્ત કરી રહ્યા છે.ગોળનો ગૃહ ઉદ્યોગ અનેક લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે.
તાલાલા પંથકમાં શેરડીનું વાવેતર વધવાની ધારણા
તાલાલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવે ઘટતો જાય છે જેથી આંબાના બગીચાનું કટીંગ થઈ રહ્યું છે એટલે ઘણી જમીન ખુલ્લી થઈ ગઈ છે.આ ઉપરાંત અન્ય ફસલ વારંવાર કુદરતી આફતનો ભોગ બને છે.શેરડીનો પાક કિસાનો માટે આશીર્વાદરૂપ બન્યો હોય આ વર્ષે શેરડીના વાવેતરમાં વધારો થવાનો કૃષિ નિષ્ણાંતોએ અંદાજ વ્યક્ત કર્યો છે.



