NIAને સરકારનો સ્પષ્ટ નિર્દેશ: પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો અને કેનેડા સ્થિત ખાલિસ્તાની જૂથો સાથે ગેંગસ્ટર્સનો સંપર્ક દેશ માટે જોખમી
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓને સતત મજબૂત કરી રહી છે. ઈડીના કેસમાં સુપ્રીમે ઐતિહાસિક ચૂકાદો આપતા તેની શક્તિઓને યોગ્ય ઠેરવી છે ત્યારે હવે કેન્દ્રે એનઆઈએને પણ શક્તિશાળી બનાવવાની દિશામાં પગલું ભર્યું છે. સરકાર ઈચ્છે છે કે એનઆઈએ ગેંગસ્ટરો સામે પણ આતંકીઓ જેવું વલણ અપનાવે. એનઆઈએ આખા દેશમાં તપાસ કરે અને જરૂર પડે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાય. એક મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે એનઆઈએને ભારતમાં ગેંગસ્ટરોની આતંકી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને હથિયારોના પુરવઠાને કવર કરવા માટ કહેવાયું છે.
- Advertisement -
આ રિપોર્ટમાં જણાવાયું છે કે આ ગેંગસ્ટરોના આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાના કારણે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરે અને તેની સાથે આતંકવાદીઓ જેવું જ વર્તન કરે. સૂત્રોનું કહેવું છે કે ગેંગસ્ટર પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો અને કેનેડા સ્થિત ખાલિસ્તાની જૂથોના સંપર્કમાં છે, જેને સરકાર દેશ માટે ગંભીર જોખમ માને છે. સરકાર ઈચ્છે છે કે આ સંદર્ભમાં એનઆઈએ અને દિલ્હી પોલીસની ગુપ્તચર શાખા સાથે મળીને કાર્યવાહી કરે. વર્ષ 2008ના મૂળ કાયદામાં સુધારો કરીને સંસદમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (સુધારો) કાયદો, 2019 પસાર કરાયો હતો.