શુક્રવારે 10.60 લાખની વીજચોરી ઝડપી લેવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત દરોડા પાડીને ચેકીંગ કરવામાં રહ્યું છે ત્યારે એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં પીજીવીસીએલ દ્વારા 9.18 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે તો ગઈકાલે શુક્રવારે યોજાયેલી વીજ ચેકીંગ ડ્રાઈવમાં મોરબી શહેર તેમજ ટંકારા વિસ્તારમાં દરોડા પાડીને 44 કિસ્સામાં વીજચોરી ઝડપી પાડીને 10.60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને મોરબી જિલ્લાની મોરબી-1 તથા મોરબી-2 વિભાગીય કચેરી હેઠળની ટંકારા પીપળીયા તેમજ મોરબી શહેર-ર પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 26 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 441 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા જે પૈકી 44 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 10.60 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2022 થી ડિસેમ્બર ર02રના સમયગાળા દરમિયાન મોરબી વર્તુળ કચેરી હેઠળ કુલ 48,438 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા જેમાંથી કુલ 3861 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 9 કરોડ 18 લાખ 04 હજારની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે ત્યારે આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે તેવું વીજતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.