તેલ અને દૂધ મોંઘા થતાં ફરસાણના ભાવમાં 20% અને મીઠાઈમાં 10%નો વધારો થયો
તેલમાં અસહ્ય ભાવવધારો
તહેવારો નજીક છે ત્યારે તેલના ભાવ હાલમાં દિવસે દિવસે વધી રહ્યા છે. જે ફરસાણની દુકાનના સંચાલકોને હવે પોસાય તેમ નથી એટલા માટે અમારેે ફરસાણ અને ફરસાણના ભાવમાં 20 ટકાનો વધારો કરવો પડ્યો છે. -મીઠાઇના વેપારી
માવાના ભાવ વધતા અસર
અમે 20 વર્ષથી મીઠાઈનો ધંધો કરી રહ્યા છીએ. દૂધના ભાવમાં વધારો થયો છે. જેથી માવાના ભાવ પણ વધ્યા છે. ભાવ વધારાને કારણે મીઠાઈઓ મોંઘી બની છે. મીઠાઈના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. -મીઠાઇના વેપારી
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ દૂધ અને તેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે જેના કારણે મીઠાઈ અને ફરસાણના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લાં પાંચથી સાત મહિનામાં તમામ ખાદ્યચીજોના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતાં તેની અસર ખાદ્યચીજોના ભાવ પર પડી છે. 20 દિવસ પહેલાં જ સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીના ભાવ વધારા બાદ છુટક દૂધ વેચતા પશુપાલકોએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.
- Advertisement -
દૂધના ભાવ વધારાની સીધી અસર મીઠાઈઓ પર પડી છે. રાજકોટના મીઠાઇ વિક્રેતાઓ દ્વારા દૂધમાંથી બનતી મીઠાઈઓના ભાવમાં 10 ટકાનો વધારો કરાયો છે. તેમાં પણ ખાસ કરીને મોટી મીઠાઈ શોપ દ્વારા આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે આ ભાવ વધારાના કારણે મીઠાઈ કડવી લાગશે. બીજી તરફ તેલના ભાવમાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
ત્યારે ફરસાણની શોપના સંચાલકોએ પણ ફરસાણ અને ફરસાણના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારોનો માર લોકોને પડી રહ્યો છે ત્યારે મીઠાઈ અને ફરસાણનો ભાવ વધારો લોકો માટે અસહ્ય બનશે.