-ટામેટાંમાં રહેલા લાઇકોપીન નામના તત્વમાં છે ભરપૂર એન્ટીઑકિસડન્ટ
-અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે ટામેટાંમાં રહેલા તત્વો
- Advertisement -
-દુનિયાભરમાં ટામેટાંની 10000 જેટલી જાતો છે: લાલ પીળા કેસરી કાળા અને સફેદ રંગમાં પણ ઉપલબ્ધ છે ટામેટાં
-મૂળ પેરુના વતની ટામેટાં આજે અમેરિકાના ન્યુજર્સી રાજ્યનું સત્તાવાર “સ્ટેટ વેજીટેબલ” છે
આપણે કાઠિયાવાડી ભલે શેવ ટામેટાંની સબ્જીના દીવાના રહ્યા ને ભલે આપણે દેશભરના રાજમાર્ગો પરની હોટેલમાં આ ડીશને હોટ ફેવરિટ બનાવી દીધી પણ વૈજ્ઞાનિક રીતે જોતાં ટામેટાં ચોક્કસપણે એક ફળ છે. સાચા ફળો ફૂલના પાયામાં અંડાશયમાંથી વિકસિત થાય છે, અને તેમાં છોડના બીજ હોય છે. (જોકે તેનું વાવેતર બીજ વીના પણ થઈ શકે)
- Advertisement -
1887 દરમિયાન અમેરિકાના ટેરિફ કાયદા હેઠળ શાકભાજી પર ડ્યૂટી લાદવામાં આવી હતી, પરંતુ ફળો પર આ જકાત લાગુ પડતી નહોતી. આ રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ટામેટાંનું ફળ હોવું કાનુની રીતે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો. આ સંદર્ભમાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે નિક્સ વિ. હેડેનના કેસમાં એવો ચુકાદો આપ્યો હતો કે વૈજ્ઞાનિક રીતે ટામેટાં ભલે એક ફળ હોય પણ વહેવારમાં તેનો ઉપયોગ એક શાક તરીકે જ કરવામાં આવતો હોવાથી તેના પર શાકભાજી પર લાગતી જકાત વસૂલવી કાનુની રીતે યોગ્ય જ છે!
ફળ અને શાકની શ્રેણી વચ્ચે ઝૂલતા આવા આ ટામેટાંનું વૈજ્ઞાનિક નામ લાઇકોપર્સિકન લાઇકોપર્સિકમ છે જેનો અર્થ વુલ્ફ પીચ થાય છે.
આજે આપણા દેશમાં જે ટામેટાંના આસમાને ગયેલા ભાવે આટલો હાહાકાર મચાવ્યો છે એ ટામેટાંનું મૂળ વતન પેરુ છે. પેરુમાં તેને એઝટેક નામથી ઓળખવામાં આવે છે, જેનો અર્થ ભરાવદાર જેવો થાય છે. સેંકડો વર્ષો પહેલા, યુરોપિયનોએ નવી દુનિયામાં એટલે કે અમેરિકામાં પગ મૂક્યો તેના ઘણા સમય પહેલા પશ્ચિમ દક્ષિણ અમેરિકાના એન્ડીઝમાં ટામેટાં જંગલી રીતે ઉગી નીકળતા હતા. ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકો તેની ખેતી કરવા લાગ્યા. આખરે આ છોડને મધ્ય અમેરિકા અને મેક્સિકોની ઉત્તર તરફ લાવવામાં આવ્યો હતો. 16મી સદીની શરૂઆતમાં જ્યારે સ્પેનિશ લોકો આવ્યા, ત્યારે તેઓને ત્યાંના રહેવાસીઓ મૂળ ભાષામાં “ટોમેટલ” નામનો ખાદ્ય પાક ઉગાડતા જોવા મળ્યા હતા.
પ્રારંભિક સંશોધનો મુજબ દ્વારા ટામેટાંના બીજ મેક્સિકોથી સ્પેન લાવવામાં આવ્યા હતા. ત્યાંથી 1500ના દાયકાના મધ્ય સુધીમાં પ્લાન્ટ ઇટાલીમાં ફેલાયો જ્યાં તેને પ્રાદેશિક રાંધણકળામાં સામેલ કરવાનું શરૂ થયું. પછીના દાયકાઓમાં સમગ્ર યુરોપમાં ટામેટાંના છોડની ખેતી કરવામાં આવતી હતી પરંતુ મુખ્યત્વે તે સુશોભન છોડ તરીકે.
ટામેટા વુલ્ફ પીચ અને સોનાના સફરજન સહિત અનેક નામોથી જાણીતા હતા. ફ્રાન્સમાં તેને લવ એપલ (પોમ્મે ડી’અમર) કહેવામાં આવતું હતું અને તેને કામોત્તેજક માનવામાં આવતું હતું. ઘણા લોકો દ્વારા ટામેટાને ભૂલથી ઝેરી માનવામાં આવતું હોવાથી, તેને “ઝેરી સફરજન” તરીકે ઓળખવામાં આવતા હતા.
તે હકીકત છે કે ટામેટાંના પાંદડા, દાંડી અને મૂળમાં સોલેનાઈન, ન્યુરોટોક્સિન હોય છે અને તેથી તે ન ખાવું જોઈએ. બોટનિકલી ટામેટા પણ જીવલેણ નાઈટશેડ (એટ્રોપા બેલાડોના) સંબધિત છે. ટામેટાંના ઝેરી સ્વભાવનો દેખીતો પુરાવો ખોટી ધારણા પર આધારિત હતો. તે સાચું હતું કે ઉચ્ચ વર્ગના યુરોપિયનો ટામેટાં ખાધા પછી મૃત્યુ પામ્યા હતા, પણ આ દોષ ટામેટાંનો ન હતો પરંતુ ઉપયોગમાં લેવાતા પ્યુટર ડિનરવેરનો હતો.
વિશ્વભરમાં આજે ટામેટાંની લગભગ 10,000 જેટલો વિવિધ જાતો ઉપલબ્ધ છે. તે પીળા, ગુલાબી, જાંબલી, કાળા અને ઈવન સફેદ પણ હોઈ છે. વધુ પડતાં ઠંડા વાતાવરણમાં ટામેટાં સામાન્ય રીતે ગ્લાસહાઉસ (ગ્રીનહાઉસ)માં ઉગાડવામાં આવે છે.
આપણે ટામેટાંનો ઉપયોગ ભલે ફક્ત એક સબ્જી તરીકે કરતા હોઈએ પણ જગતના અનેક દેશોમાં તેનો ઉપયોગ અનેક રીતે થાય છે. ફળની જેમ કાચા, ઘણી વાનગીઓ, ચટણી, સાલસા, સલાડ, અથાણાં કેચઅપ અથવા ટામેટાંના સૂપમાં પ્રક્રિયા કરીને એક ઘટક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. કેટલાક દેશમાં ટામેટાંનો રસનો ઉપયોગ એક પીણા તરીકે પણ થાય છે, આ રીતે તેનો ઉપયોગ બ્લડી મેરીની જેમ કોકટેલમાં થાય છે.
ટામેટાંમાં લાઇકોપીન નામનું જે તત્વ ભરપૂર માત્રામાં હોય છે તે એક એન્ટીઑકિસડન્ટ છે. તે હૃદયની કામગીરી માટે અત્યંત ઉપકારક છે. અમુક પ્રકારના કેન્સર સામે તે અસરકારક રક્ષણ આપે છે. પ્રાકૃતિક ચિકિત્સામાં ટામેટાને રાંધવા નુકશાનકારક બતાવી તે વર્જ્ય ગણવામાં આવ્યા છે પણ આધુનિક ન્યુટ્રિશનલ સાયન્સ તેને રાંધીને જ ખાવાની ભલામણ કરતા કહે છે કે રાંધેલા ટામેટાં માનવ સ્વાસ્થ્ય માટે કાચા કરતાં વધુ સારા છે, કારણ કે રાંધવાથી જ તેમાં રહેલા અત્યંત ફાયદાકારક રસાયણો છુટ્ટા પડે છે.
આમ પોષણની દૃષ્ટિએ જોતાં ટામેટાં વિટામિન સી, બાયોટિન, મોલિબ્ડેનમ અને વિટામિન કેનો પણ ઉત્તમ સ્ત્રોત છે. તે કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, ડાયેટરી ફાઈબર, વિટામિન એ (બીટા-કેરોટીનના સ્વરૂપમાં), વિટામિન બી6, ફોલેટનો પણ ખૂબ સારો સ્ત્રોત છે. તે નિયાસિન,વિટામિન ઈ, અનેફોસ્ફરસ પણ ધરાવે છે.
ટામેટાંનો છોડ સામાન્ય રીતે 1-3 મીટર (3-10 ફૂટ) ઊંચાઈ સુધી વિકાસ પામે છે અને તેનું થડ તેમજ ડાળીઓ ઘણા પોચા હોય છે. અનેક વખત તે જમીન પર ફેલાય છે, તે અન્ય છોડ પર વેલા સ્વરૂપે પણ વિકસે છે. તે તેના મૂળ રહેઠાણમાં બારમાસી પાક ઉત્પાદન છે. સમશીતોષ્ણ આબોહવામાં બારમાસી પાક તરીકે બહાર ખુલ્લામાં ઉગાડવામાં આવે છે. સરેરાશ સામાન્ય ટમેટાંનું વજન આશરે 100 ગ્રામ (4 ઔંસ) હોય છે.
ન્યુટ્રિકલ્ચર લિમિટેડ, માવડેસ્લી, લેન્કેશાયર, યુ.કે. દ્વારા વિકસાવવામાં આવેલ ટામેટાં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા હતા અને તે મુજબ 11 મે 2000ના રોજ નોંધવામાં આવેલા ટામેટાંના સહુથી ઉંચા છોડની ઊંચાઈ 19.8 મીટર (65 ફૂટ)ની હતી. આવો જ એક બીજો રસપ્રદ આંકડો જોઈએ તો મે 2005થી એપ્રિલ 2006 સુધીના એક જ વર્ષના સમયગાળામાં ટામેટાના ફક્ત એક છોડ પર 32194 ટામેટાં આવ્યા હતા જેનું ફૂલ વજન 522.464 કિલોનું થયું હતું. ટામેટાંનો આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એપ્કો કંપની ફ્લોરિડા, વર્લ્ડ સાયન્સ પ્રોજેક્ટ, અમેરિકા દ્વારા નોંધાવવામાં આવ્યો હતો.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મુજબ સૌથી ભારે ટામેટાંનું વજન 3.51 કિગ્રા (7 પાઉન્ડ 12 ઔંસ) હતું અને તે જી. ગ્રેહામ દ્વારા 1986માં ઓક્લાહોમા, યુએસએમાં ઉગાડવામાં આવ્યું હતું. વેલેન્સિયા નજીક બુનોલમાં લા ટોમેટીના ટોમેટો ફાઇટ દર વર્ષે ઓગસ્ટના છેલ્લા બુધવારે થાય છે, જોકે પાર્ટી અઠવાડિયાની શરૂઆતમાં શરૂ થાય છે. ફેસ્ટિવલની ખાસ વાત એ છે કે તે દિવસે સવારે 11થી બપોરે 1 વાગ્યાની વચ્ચે ટામેટાંની લડાઈ થાય છે. લગભગ 110,000 કિગ્રા (242,500 પાઉન્ડ) ટામેટાંનો તેમાં દુરઉપયોગ થાય છે , તેમાં લોકો પર કે અન્યત્ર ચારે બાજુ દરેક વસ્તુ પર ટામેટાં ફેંકવામાં આવે છે. આ ઉત્સવ માટે હજારો લોકો આ નાનકડા વેલેન્સિયન શહેરમાં ઉમટી પડતાં આ ઇવેન્ટ સ્પેનના ઉનાળાના તહેવારોના કેલેન્ડર પરની એક હાઇલાઇટ બની ગઈ છે.
ટામેટાં ન્યુ જર્સીનું અધિકૃત સ્ટેટ વેજીટેબલ છે. અમેરિકાના ઓહિયો રાજ્યનું તે અધિકૃત સ્ટેટ ફ્રૂટ છે અને ટામેટાંનો રસ એ ઓહિયોનું ઓફિસિયક પીણું છે. જોકે, અરકાનસાસે તેના રાંધણ અને વનસ્પતિ વર્ગીકરણને લીધે, દક્ષિણ અરકાનસાસ વાઈન પાકેલા ગુલાબી ટામેટાને રાજ્યના ફળ અને રાજ્ય શાકભાજી તરીકે દર્શાવીને બંને પક્ષો લીધા છે.
ચીન સમગ્ર વિશ્વમાં ટામેટાંના ઉત્પાદનમાં નંબર વન છે. યુ.એસ. બીજા ક્રમે છે. ઇટાલિયન જેવા ભૂમધ્ય રાંધણકળામાં ટામેટાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ પિઝા અને પાસ્તા સોસમાં મહત્વપૂર્ણ ઘટક છે. યુરોપમાં પ્રથમ ટામેટાં મૂળ પીળા હોઈ શકે છે. તેમને સૌ પ્રથમ લેખિતમાં ’પોમો ડી’ઓરો’ તરીકે ઓળખવામાં આવ્યા હતા, જેનો અર્થ થાય છે ’ગોલ્ડન એપલ’.
યુરોપમાં ટમેટાંનો શરૂઆતી ફાલ પીળા રંગનો હોવાની પ્રબળ સંભાવનાઓ છે, હોઈ શકે છે, તેથી જ તે સમયના લેખિત દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ’પોમો ડી’ઓરો’ તરીકે છે, જેનો અર્થ થાય છે ’ગોલ્ડન એપલ’.
- લે. ડો.મનીષ આચાર્ય (નેચરોપેચ)