રોસ્ટર પ્રથા બંધ કરવા અને કાયમી નોકરીની માંગ સાથે આંદોલન, શહેરની સફાઈ ખોરવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા શહેરમાં સફાઈ કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતરી આવ્યા છે. આ કામદારો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આશરે 150 જેટલા સફાઈ કામદારોએ મંડપ નાખીને ધરણા ચાલુ રાખતા શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓમાં નગરપાલિકા દ્વારા લાગુ કરાયેલી 15 દિવસની રોસ્ટર પ્રથા બંધ કરવાનો અને તેમને કાયમી નોકરી આપવાનો સમાવેશ થાય છે. કામદારોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. સફાઈ કામદારોની હડતાળને કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ પરિસ્થિતિને જોતા નગરપાલિકાએ અન્ય એજન્સી દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી હતી, જેના કારણે સ્થાનિક સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સવારે મોટી સંખ્યામાં કામદારો એકઠા થઈને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે દરમિયાનગીરી કરી અને લગભગ 60 જેટલા સફાઈ કામદારોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા કામદારોને ધારી અને ચલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હવે સફાઈ કામદારોની હડતાળ અને તેના પછીની કાર્યવાહી શું વળાંક લે છે તે જોવું રહ્યું.



