એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 ઓક્ટોબર સુધી મેળો ચાલશે; સ્થાનિક કારીગરોની હસ્તકલા અને ઘર બનાવટની વસ્તુઓને પ્રોત્સાહન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
’વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળે, સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે અને હસ્તકલા તથા ઘર બનાવટની વસ્તુઓને વિશાળ બજાર પૂરું પાડી શકાય તે હેતુથી મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી 18 ઓક્ટોબર સુધી ચાલશે. સ્વરોજગારી અને ’વોકલ ફોર લોકલ’ પહેલને વેગ આપવા માટે આ સ્વદેશી મેળા એક સબળ માધ્યમ સાબિત થઈ રહ્યા છે.
- Advertisement -
આ મેળામાં વિવિધ સખી મંડળોની બહેનોએ ભાગ લીધો છે અને તેમણે આ આયોજનને રોજગારી અને આત્મનિર્ભરતા માટેનું મહત્વનું પ્લેટફોર્મ ગણાવ્યું હતું.
પ્રાગટ્ય સખી મંડળના હેતલબેન ચાવડાએ જણાવ્યું હતું કે, આ મેળો તેમના જેવી બહેનોને રોજગારી પૂરી પાડે છે, જ્યાં તેઓ પોતાની હાથ બનાવટની વસ્તુઓ વેચીને પગભર થઈ શકે છે.
વાત્સલ્ય સખી મંડળના જ્યોતિબેન ચાવડાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે તેમને વિનામૂલ્યે સ્ટોલ મળ્યો છે, જેનાથી ઘર બનાવટની વસ્તુઓને વેચાણ માટે સારું પ્લેટફોર્મ મળ્યું છે. અર્પિત આરાધ્યા સખી મંડળની સખીઓએ જણાવ્યું હતું કે, તેઓ સખી મંડળમાં જોડાઈને વિવિધ ફરસાણ બનાવીને રોજગારી મેળવે છે અને આ મેળાઓ થકી તેઓ આત્મનિર્ભર બન્યા છે.
મારુતિ મિશન મંગલ સખી મંડળના હેતલબેન વ્યાસે જણાવ્યું હતું કે, તેઓ આયુર્વેદિક પદ્ધતિથી સાબુ, શેમ્પૂ જેવી કોસ્મેટિક્સની વસ્તુઓ ઘરે જાતે બનાવે છે અને તેના વેચાણ દ્વારા સ્વરોજગારી મેળવી શકે તે માટે તેમને વિનામૂલ્યે સ્ટોલ પૂરો પાડવામાં આવ્યો છે.
શક્તિ સખી મંડળના સોનલબેન સગરે પણ સરકાર દ્વારા યોજાતા આવા મેળાઓને નાના વેપારીઓ માટે રોજગારીની સારી તક ગણાવી હતી. સરકારની આ ’વોકલ ફોર લોકલ’ અને ’દરેક હાથને કામ અને કામનું સન્માન’ની નેમ હેઠળ, સ્થાનિક કારીગરોને તેમની કલા-કારીગરીની વસ્તુઓ દૂર ક્યાંય વેચવા ન જવી પડે તે માટે સ્વદેશી મેળા મહત્વનું કેન્દ્ર બની રહ્યા છે.