જૂનાગઢ જિલ્લામાં 85.49% અને ગીર સોમનાથ જિલ્લામાં 95.97% વરસાદ
છેલ્લા 3 દિવસથી સોરઠમાં 1થી લઇ 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠમાં છેલ્લા 3 દિવસથી સાંજ પડતા મેઘસવારી આવી પહોંચે છે અને તોફાની બે ઇંચ સુધી વરસાદ વરસી જાય છે. ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એક ઇંચ થી લઇ 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. તેમજ જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 85.49 ટકા અને ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 95.97 ટકા વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભાદરવાનાં વરસાદથી જેમ વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં એક ઇંચથી લઇને બે ઇંચ સુધી વરસાદ થયો હતો. ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જયારે ગીર સોમનાથ જિલ્લામાં 3 ઇંચ સુધી વરસાદ થયો હતો. જેમાં કોડીનારમાં અઢી ઇંચ, વેરાવળમાં બે ઇંચ અને સુત્રાપાડામાં 3 ઇંચ વરસાદ થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 95.97 ટકા થયો છે. જેમાં કોડીનારમાં 107.62 ટકા અને સુત્રાપાડામાં 168.43 ટકા વરસાદ થયો છે. સુત્રાપાડામાં સિઝનનો 56.12 ઇંચ વરસાદ થયો છે. જે સોરઠનો સૌથી વધારે વરસાદ છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 85.49 ટકા થયો છે. જેમાં માણાવદરમાં 109.08 ટકા વરસાદ થયો છે. જોકે વિસાવદરમાં 41.02 ઇંચ વરસાદ થયો છે. જે જૂનાગઢ જિલ્લાનો ઇંચની દ્રષ્ટીએ સૌથી વધુ વરસાદ છે અને ટકાવારીની દ્રષ્ટીએ માણાવદરમાં 109 ટકા વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથના લોઢવા ગામે વાવાઝોડું, મકાનોનાં છાપરાં ઉડ્યા
ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં સમી સાંજે મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. જેનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કોડીનારમાં 2.5 ઈંચ, વેરાવળ-સોમનાથમાં 1 ઈંચ અને સુત્રાપાડામાં 1.5 ઈંચ જેવો વરસાદ વરસી જતા માર્ગે ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. આજના ભારે વરસાદમાં સુત્રાપાડા પંથકના લોઢવા ગામમાં દસેક મિનીટ સુધી ચક્રવાત જેવો તોફાની પવનનું વંટોળ ફૂંકાયું હતુ. જેમાં અનેક મકાનોના છાપરા ઉડી ધરાશાયી થયા હતા તો વૃક્ષો અને વીજ થાંભલાઓ જમીનદોસ્ત થઈ જતાં ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.
- Advertisement -
લોકોને ‘તાઉતે’ની યાદ તાજી કરાવી દીધી
ગીર સોમનાથ જિલ્લાનાં લોઢવામાં ફુકાયેલા ચક્રવાતે લોકોને તાઉતે વાવાઝોડાની યાદ તાજી કરાવી દીધી હતી. સાંજે પાંચેક વાગ્યા આસપાસ લોઢવા ગામમાં વરસાદ સાથે દસેક મિનીટ સુધી મીની ચક્રવાત જેવા ફૂંકાયેલા તોફાની પવનના વંટોળએ વિનાશ વેરી દીધો હતો. ગામમાં અને વાડી વિસ્તારમાં ફૂંકાયેલા તોફાની પવનનાં કારણે અનેક વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી જઈ જમીનદોસ્ત થઈ ગયા હતા. તો અનેક મકાનોના છાપરાઓ ઉડીને જમીન પર પટકાય ભાંગી જતા લોકો નોંધારા બની ગયા હતા. ગામમાં ગણતરીની મિનિટો સુધી ફૂંકાયેલા તોફાની પવનના કારણે સર્જાયેલ વાતાવરણથી ગ્રામજનોમાં ઘડીભર ભયની લાગણી પ્રસરી ગઈ હતી.