દિવાળી તહેવારો પહેલાં ’ઓપરેશન શુદ્ધ’
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગીર સોમનાથ એસઓજી પોલીસ દ્વારા કોડીનાર ખાતે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતાં ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
- Advertisement -
એસઓજીની ટીમ દ્વારા કોડીનારના રબારીવાડા વિસ્તારમાં આવેલા એક ઘીના વેપારીના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને ચેકિંગ દરમિયાન વેપારીના સ્થળેથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળતાં તાત્કાલિક ફૂડ વિભાગની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક શંકાસ્પદ ઘીના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે સેમ્પલોને પ્રાથમિક તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ અને ફૂડ વિભાગની આ સંયુક્ત કામગીરી બાદ શહેરના ભેળસેળીયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.



