સ્થાનિક પોલીસે 1170 લીટર કેમિકલના જથ્થા સહિત કુલ 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની હદમાં ફરી એક વખત કેમિકલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં અગાઉ પણ ગત 13 ફેબ્રુઆરીના રોજ ધ્રાંગધ્રા હાઇવે પર કલ્પના ચોકડી નજીક સરકારી જમીન પર ટ્રકોમાંથી કેમિકલ ઉતારવાના પ્રકરણમાં ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરી 83 લાખથી વધુનો મુદામાલ ઝડપી લેવાયો હતો જે અંગે હાલમાં રાજકોટ રેન્જ આઈ જી દ્વારા તાલુકા પીઆઇ ડી. ડી.ચાવડાને સસ્પેન્ડ કરવા આવ્યા હતા તેવામાં આ પ્રકારનું વધુ એક કેમિકલ કાંડ તાલુકા પોલીસના ડી સ્ટાફની ટીમે ઝડપી લીધી હતું. ગુરુવારે મોડી સાંજે પીએસઆઈ બી.આર.મોડિયા, વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા, સાગરભાઈ રબારી સહિતના સ્ટાફે કંટાવાના વાડી વિસ્તાર દરોડો કરી સંગ્રહ કરી રાખેલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી લીધો હતો. આ બનાવમાં સ્થાનિક પોલીસે 1170 લીટર કેમિકલના જથ્થા સહિત કુલ 3.30 લાખનો મુદામાલ જપ્ત કરી વિશાલસિંહ જાડેજા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ શખ્સ ત્યાં હાજર મળી આવેલ ન હતા પરંતુ જે વાડીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો તે વાડી માલિકને પૂછપરછ કરતાં તેઓ દ્વારા વિશાલસિંહ જાડેજાને વાડી વાવેતર કરવા આપી હોવાનું જણાવ્યું હતું. આ તરફ અગાઉ એસ.એમ.સી દ્વારા ઝડપી પડેલ કેમિકલ પ્રકરણમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ જે હાલ પોલીસ ચોપડે ફરાર હોય તે જ શખ્સ આ શંકાસ્પદ કેમિકલના જથ્થા હોવૈ આશંકા સેવાઈ રહી છે પરંતુ હાલ સ્થાનિક પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



