સુરંગમાં જમીન બેસી જતા છ પરપ્રાંતિય મજૂરો દટાયા: કલાકોની મહેનત બાદ પણ મૃતદેહ હાથ લાગ્યા નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની ખાણોમાં એક બાદ એક મોતનો સિલસિલો ફરી એક વખત શરૂ થયો છે જેમાં હાલમાં જ શુક્રવારે મોડી સાંજે વાગડીયા ગામની સીમમાં ચાલતા કોલસાના ગેરકાયદેસર ખાણમાં પૂર્વ સરપંચનો પુત્ર ભેખડ ઘસવાના લીધે અંદર દટાતા મોત થયું હતું જેની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં વધુ એક મોટી ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવ સાયલા અને મૂળી તાલુકાના સીમાડે આવેલા ચોરવીરા ગામની સીમમાં બનવા પામ્યો હતો જેમાં શનિવારે બપોરના સમયે માલિકીની જમીનમાં કોલસાની ગેરકાયદે ખાણ ચાલતી હોય જેમાં આશરે 150થી 200 ફૂટ અંદર કામ કરતા મજૂરો પર ભેખડ પડી હતી આ ભેખડ પડતા અંદર કામ કરતા કેટલાક પરપ્રાંતીય મજૂરો દબાયા હતા. જ્યારે આ ઘટના સામે આવતા જ કોલસાની ખાણ ચલાવતા ખનિજ માફીયાઓ ખાણ પર દોડી જઈ પરપ્રાંતિય મૃતકોને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. શનિવારે બપોરે બનેલા બનાવમાં મોડી સાંજ સુધી મૃતકોની લાશને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા છતાં કોઈ સફળતા નહીં મળતા અંતે મૃતકોની સાથે આખોય મામલો જમીનમાં જ દબાવી દેવા કોલસાની ખાણને બુરી દેવામાં આવી હતી. જ્યારે આ મામલે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તંત્રના અધિકારીઓ ત્યાં પહોચે તે પૂર્વે તો કોલસાની ખાણને બુરી દેવામાં આવી હતી મોડી રાત્રિ સુધીમાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ અહીં મૂળી અને સાયલા તાલુકાના સીમાડે આવેલા ચોરવીરા ગામની સીમમાં બનેલી ઘટનાથી ચોટીલા અને લીમડી પ્રાંત અધિકારી વચ્ચેની હદ મામલે અસમંજસ હતી. આ તરફ ખાણમાં દટાયેલા આશરે 6 મજૂરોમાંથી એક પરપ્રાંતિય મહિલા ખાણની બહાર હોવાથી તેઓ બચી ગયા હતા જેઓને ખનિજ માફીયાઓ દ્વારા અન્ય સ્થળે લઈ જઈ મજૂરોના મોતનો સોદો કર્યો હતો કહેવાય છે કે પરપ્રાંતિય મહિલાને રાજી કરવા માટે મોટી તગડી રકમ આપી ખનિજ માફીયાઓ દ્વારા મામલો દબાવવાની કોશિશ થઈ હતી પરંતુ પરપ્રાંતિય મહિલાએ દટાયેલા મૃતકોની સાથે પોતાના પતિના મૃતદેહની માંગ કરી હતી. જ્યારે ચોટીલા પ્રાંત અધિકારી રવિવારે વહેલી સવાર સુધી સતત ખડેપગે રહ્યા હતા. જે બાદ રવિવારે બપોર સુધી જ્યાં બનાવ બનતો તે સ્થળનું સાચું લોકેશન સામે આવ્યું હતું પરંતુ એક તરફ જ્યારે ફરજને વફાદાર રહી એચ.ટી.મકવાણા જેવા અધિકારી મામલો ઉજાગર કરવા માનતા હતા ત્યારે બીજી તરફ તંત્રના જ કેટલાક લેભગુ અધિકારીઓ આખોય મામલો દબાવવા માટેના પ્રયત્નો હાથ ધરી થયા હતા. આ આખી પ્રક્રિયા વચ્ચે પરપ્રાંતિય મૃતકોના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સુરેન્દ્રનગર ખાતે આવવા માટે રવાના થયા હતા ત્યારે એક સાથે છ જેટલા પરપ્રાંતિય મજૂરોના મોત મામલે ખનિજ માફીયાઓ સાથે તંત્રના પણ કેટલાક અધિકારીઓ મામલાને દબાવવા માટે સતત ધમપછાડા કરી રહ્યા હતા.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે અટકશે મોતનો સિલસિલો ?
મૂળીના વગડીયા ગામે શુક્રવારે પૂર્વ સરપંચના પુત્રના મોતની સહી હજુ સૂકાઈ નથી ત્યાં ચોરવીરા ગામની સીમમાં આશરે વધુ છ જેટલા પરપ્રાંતિય મજૂરો દટાયા હતા આ પ્રકારે માત્ર બે દિવસમાં જ કુલ સાત જેટલા શ્રમિકો કોલસાની ગેરકાયદે ખાણમાં હોમાયા છે.
મજૂરોના મોતનો મામલો દબાવવા ખાણ પણ બુરી નાખી
- Advertisement -
સાયલાના ચોરવિરા ગામે શનિવારે બપોરે 150થી 200 ફૂટ ઊંડી ખમા કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર અંદરની જમીન ધસી જતા છ જેટલા મજૂરો દટાયા હતા જ્યારે મોદી સાંજ સુધી દટાયેલા મજૂરોના મૃતદેહ બહાર કાઢવા પ્રયત્ન કરાયા પરંતુ અંતે સફળતા નહીં મળતા અંતે મજૂરોની સાથે આખોય મામલો જમીનમાં દફન કરી દેવાયો હતો.
વારંવાર કોલસાની ખાણમાં માટે મજૂરોમાં દોષિત કોણ ?
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખાણમાં વારંવાર મજૂરોના મોતનો મામલો સામે આવે છે જેમાં ભાગ્યે જ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાય છે બાકી સ્થાનિક પોલીસથી માંડીને તમામ પ્રશાસન મોતના મામલો દબાવવામાં વધુ રસ હોય છે જેથી મજૂરોના મોતમાં ખનિજ માફિયાઓની સાથે તંત્ર પણ એટલું જ દોષિત ગણાવી શકાય !
શ્રમિક મોતને ભેટે પરંતુ કાયદાકીય કાર્યવાહી ન થાય !
કોલસાની ખાણોમાં વારંવાર ભેખડ પડવા અને ગેસ ગળતરના લીધે શ્રમિકો હોમાય છે પરંતુ જ્યારે આ શ્રમિકો મૃત્યુ પામે છે ત્યારે ખનિજ માફીયાઓ મૃતકના પરિવારને સામાન્ય રૂપિયા આપી મોતનો સોદો કરી નાખે છે અને પરિવાર પણ ફરિયાદ કરવા તૈયાર થતા નથી.
કોલસાની ખાણ ચાલતી હોવાથી મુદામાલ જપ્ત કરાયો
શનિવારે ચોરવીરા ગામે કોલસાની ખાણમાં છ જેટલા મજૂરો દટાયા હોવાની વાતને લઈ સ્થાનિક તંત્ર દોડતું થયું હતું કલાકો સુધી તપાસના અંતે મજૂરોના મૃતદેહ અને ઘટનાનું તથ્ય તો જાણવા મળ્યું ન હતું પરંતુ અહીં કોલસાની ગેરકાયદે ખાણ ચાલતી હોય તે સ્પષ્ટ થયું હતું જેથી બે જેટલા કોલસાના ગેરકાયદે ખાણ પરથી મુદામાલ જપ્ત કરાયો હતો.