ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગરની પહેલ અન્વયે લોકો યોગ કરતાં થાય, યોગ અંગેની જાગૃતતા કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આવતીકાલે સવારે 8:00 કલાકે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, પ્રેમ મંદિરની આગળ, ચંદ્રશેખર આઝાદ ગાર્ડન સામે, વિમલનગર મેઈન રોડ, લોટસ એવન્યુ એપાર્ટમેન્ટ સામે મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. બીજા તબક્કામાં ગત તા. 23નાં રોજ યોજાયેલી ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં ત્રણેય ઝોનમાં 36-36 (કુલ-108) સ્પર્ધકોમાંથી 6+6+6 વિજેતા થયેલા કુલ – 18 સ્પર્ધકો મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આ મહાનગરપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ હાજર રહેશે.
મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે
