હાઇકોર્ટે આપેલી સરવેની છૂટ પર સ્ટે મુકાયો છે
અપીલ ફગાવવાની હિન્દુ પક્ષકારની દલીલ સુપ્રીમે નકારી, નવેમ્બર સુધી સ્ટે રહેશે
- Advertisement -
મથુરાની શાહી ઇદગાહ મસ્જિદના વૈજ્ઞાનિક સરવેને ઇલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા મંજૂરી અપાઇ હતી, જેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો હતો. આ સ્ટેને સુપ્રીમ કોર્ટે નવેમ્બર મહિના સુધી લંબાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેંચે આદેશ આપ્યો હતો કે ૧૬મી જાન્યુઆરીએ અમે જે સ્ટે મુક્યો હતો તેને લંબાવવામાં આવે છે. આ સ્ટે ઇલ્હાબાદ હાઇકોર્ટના ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩ના આદેશ પર અપાયો હતો. હિન્દુ પક્ષકારો દ્વારા મથુરાની શાહી ઇદગાહ મસ્જિદનો કોર્ટની દેખરેખરમાં વૈજ્ઞાનિક સરવે કરાવવાની માગ કરતી અરજી હાઇકોર્ટમાં કરાઇ હતી, જેને સ્વીકારવામાં આવી હતી અને સરવેની મંજૂરી અપાઇ હતી.
આ મામલાને બાદમાં સુપ્રીમમાં મસ્જિદ કમિટી દ્વારા પડકારાયો હતો. સુપ્રીમમાં હિન્દુ પક્ષકાર વતી હાજર વકીલ વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષકારોની અરજીઓ સામે મુસ્લિમ પક્ષકારો દ્વારા જે અપીલ કરાઇ હતી તેને હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેથી સુપ્રીમમાં હાલ જે મુસ્લિમ પક્ષકારની અરજી છે તે સુનાવણીને લાયક નથી રહી. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે મુસ્લિમ પક્ષકાર દ્વારા સ્ટે અંગે અપીલ કરાઇ છે. જેની હવે તમામ મુદ્દાઓને લઇને નવેમ્બર મહિનામાં સુનાવણી કરાશે.