ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ધ્રાંગધ્રા શહેરમાં ઓચિંતી ટ્રાફિક ડ્રાઇવ યોજી મુખ્ય માર્ગો પર જ ટ્રાફિક નિયમો ઉલંઘન કરતા વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવી હતી જેમાં 36 જેટલાં વાહન ચાલકોનેં દંડ ફટકારી 6 વાહનો ડિટેન પણ કર્યા હતાં. નવરાત્રી પ્રારંભ સાથે જ ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ટ્રાફિક નિયમો તોડવા બદલ કુલ રૂપિયા 18600/- રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અકસ્માતોની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વાહનચાલકો નિયમોની ઐસીતૈસી કરી નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા હોવાથી ગમખ્વાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. ત્યારે સરકાર અને રાજ્યની પોલીસ એકશનમાં આવી છે
અને સમગ્ર રાજ્યના તમામ શહેરો અને તાલુકા કક્ષાએ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરમાં નવરાત્રી પ્રારંભ થતા જ સાંજના સમયે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હળવદ રોડથી ગુરુકુળ જતાં રસ્તા પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એલ.એમ.બગડા દ્વારા જણાવ્યું હતું કે “આવનારા દિવસોમાં ધ્રાંગધ્રા શહેરમાં રોડ ઉપર જ્યાં ત્યાં આડેધડ કરેલા વાહન પાર્કિંગ તેમજ ફોરવ્હિલર ગાડીમાં બ્લેક ફિલિમ્સ તેમજ ટુવ્હિલર ગાડીમાં નંબર પ્લેટ ન હોય તેમજ લાયસન્સ, આરસીબુક, ગાડીઓના પેપર્સનુ ચેકિંગ પોલીસ દ્વારા કરવામા આવશે તેમજ વાહનચેકિંગ દરમ્યાન ફોરવ્હીલર કારમાં બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ વગર વાહનચાલકો તેમજ વાહનના જરૂરી કાગળો, લાયસન્સ ન હોય અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને સ્થળ પર દંડ પણ ફટકરવામાં આવશે તેમજ વાહનો ડિટેઈન પણ કરવામાં આવશે .આ સાથે સંપુર્ણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહનચાલકોનુ પોલીસ દ્વારા સન્માન પણ કરી પ્રોત્સાહન પૂરું પાડવાની કામગીરી પણ હાથ ધરવાની છે.