એક બાજુના શૌચાલયમાં નુકસાન કરાતા બંધ કરાયા, બીજી બાજુના ચાલુ છે : તંત્ર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર શહેરના એસટી ડેપોમાં એકબાજુના શૌચાલયોમાં તાળાં મારી દેવામાં આવ્યા છે. જેના કારણે અહીં મુસાફરી માટે આવાત મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંધ શૌચાલયો શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટા એસટી ડેપો સુરેન્દ્રનગર શહેરમાં આવેલો છે. આ ડેપોમાં એસટી બસો દોડાવવાની સાથે તેનું સંચાલન રાજકોટ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આ ડેપોમાંથી દૈનિક 14000થી વધુ મુસાફર આવ-જા કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આધુનિક બસ સ્ટેશનમાં વારંવાર અસુવિધાઓની ફરિયાદો ઊઠી છે. ત્યારે આ બસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા શૌચાલયને તાળાં મારી દેવાતા મુસાફરો પરેશાન બન્યા હતા. આ અંગે સુનીલ રાઠોડ, વી.એલ. રાઠોડ, બી.એલ. વોરા વગેરેએ જણાવ્યું કે, આ બસ સ્ટેશન શહેરનું હાર્દ સમાન છે. અહીં ગામડા તેમજ શહેરમાંથી મહિલા સહિતના મુસાફરો આવતા હોય છે. પરંતુ શૌચાલયને તાળાં મારી દેવાતા શૌચક્રિયા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ બંધ શૌચાલય શરૂ કરવામાં આવે તો મુસાફરોમાં રાહત થાય. આ અંગે એસટી સૂત્રોએ જણાવ્યું કે, બસ સ્ટેશનમાં એક અને બીજી બાજુ એમ 2 સ્થળે શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ એક બાજુના શૌચાલયોમાં કોઇ તત્વો દ્વારા તોડફોડ કરી વારંવાર નુકસાન કરવામાં આવે છે. જેમાં શૌચાલયની ટાઇલ્સો, નળ સહિતને તોડી નાંખવામાં આવે છે. આથી તેને બંધ કરી દેવાયા છે. જ્યારે બીજીબાજુના શૌચાલય ચાલુ છે. હાલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ ચાલુ કરી દેવામાં આવશે.