કમિશનરની ગંભીર નોંધ બાદ સ્વચ્છતા ક્રમ સુધારવા નવા આયોજનો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યભરમાં 154મા ક્રમે પહોંચી ગઈ છે, જે કમિશનર નવનાથ ગવહાણે દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. દર મહિને સફાઈ પાછળ રૂ. 50 લાખથી વધુનો ખર્ચ અને પૂરતા સફાઈ કામદારો હોવા છતાં આટલો નીચો ક્રમ આવતા, આગામી સમયમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છતાનો આંક સુધારવા માટે ખાસ નવું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે શહેરની સ્વચ્છતાની જવાબદારી સંભાળતા નાયબ કમિશનર એસ.કે. કટારાએ એક ઇન્ટરવ્યુમાં મનપાના સફાઈ અને કચરાના પ્રોસેસિંગ માટેના આગામી રોડમેપ વિશે માહિતી આપી હતી.
- Advertisement -
સોલિડ વેસ્ટને રિડ્યુસ (ઘટાડવા), રિયુઝ (ફરીથી ઉપયોગ કરવા) અને રિસાયકલ (પુન:પ્રક્રિયા કરવા) માટે 47 ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળો પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરાતા કચરાને અલગ કરીને પ્રોસેસ કરીને ખાતર બનાવવામાં આવશે. સુરેન્દ્રનગરમાં કચરા પ્રોસેસિંગ માટે હાલમાં 2,00,000 યુનિટની ક્ષમતાવાળું એક યુનિટ અને 35,000 યુનિટ પ્રોસેસ કરવાનું બીજું યુનિટ કાર્યરત છે. તેમાં નિયમિત વેસ્ટનું પ્રોસેસિંગ કરવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં ક્ષમતા વધારવા માટે કામ કરવામાં આવશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ભીનો અને સૂકો કચરો અલગ નાંખવા માટે જાગૃતિ લાવવામાં આવશે. લોકોને ભીનો અને સૂકો કચરો અલગ રાખવા માટે સૂચના અપાશે. આ ઉપરાંત, જાહેર સ્થળોએ મનપા દ્વારા ભીનો અને સૂકો કચરો નાંખવા માટે બ્લુ અને ગ્રીન ડસ્ટબીન મૂકવામાં આવશે.
ધ્રાંગધ્રા પાલિકાની સ્વચ્છતા રેન્કિંગમાં મોટી છલાંગ: રાષ્ટ્રીય સ્તરે 2559માંથી 116મા ક્રમે!
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં અદભૂત પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. નગરપાલિકા રાષ્ટ્રીય સ્તરે 2559મા ક્રમેથી સીધી 116મા ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે રાજ્ય કક્ષાએ 81મા ક્રમેથી 45મા ક્રમે આવીને પોતાની સ્થિતિ સુધારી છે. આ ભવ્ય સિદ્ધિની ઉજવણી કરવા માટે નગરપાલિકાના સભ્યો દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે ઉપપ્રમુખ હિરેન કાનાબાર અને કારોબારી ચેરમેન પૂજાબેન જાદવને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા અભિયાન ક્રમ સુધારવા માટેના પગલાં
સ્વચ્છતા અભિયાનનો ક્રમ સુધારવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને અભિયાનમાં જોડવામાં આવશે. સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યાં કચરાના નિકાલ અને વેસ્ટ પ્રોસેસિંગને વધુ સારું બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. લોકોને જાહેરમાં કચરો ન નાંખવા સમજ આપવામાં આવશે અને જરૂર પડ્યે જાહેરમાં કચરો નાંખનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્યવસ્થામાં ફેરફાર
મહાનગરપાલિકા દ્વારા કચરા કલેક્શન માટે એક વિશેષ એજન્સી નક્કી કરવામાં આવશે, જે ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી સંભાળશે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓમાંથી પણ કચરો એકત્રિત કરવામાં આવશે. હાલમાં આ કામગીરી માટે 44 વાહન અને 400 કર્મચારીઓની ટીમ કાર્યરત છે, જેમાં ધીમે ધીમે વાહનોની સંખ્યા પણ વધારવામાં આવશે.