હાઈવે નિર્માણનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થયું ત્યાં રોડ પર ગાબડાએ દેખા દીધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
વડોદરાની ઘટના બાદ રાજ્યના મોટાભાગના જર્જરિત પુલ બંધ કરી દેવાયા છે પરંતુ રાજ્યના મુખ્ય હાઇવે રોડની હાલત પણ કઈ સારી નથી. તેવાં સતત 24 કલાક વાહનની અવર જવર રહેતા અમદાવાદ રાજકોટ હાઈવે પર મસમોટા ગાબડા નજરે પડે છે. વર્ષ 2018માં સીક્સ લાઇન હાઇવે મજૂર થયો અને કામ પણ શરૂ થયું જેમાં હજુ આ હાઇવે નિર્માણનું કામ પૂર્ણ નથી થયું ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં હાઇવે પર મસમોટા ખાડા નજરે પડી રહ્યા છે.
આ તરફ જાની વડલા ગામ નજીક ઓવર બ્રીજની એક લાઇન પર વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે જેથી સામસામે આવતા વાહનોને લીધે વારંવાર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે. દરરોજ હજારો વાહનો અને મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી નીકળતા રાજ્ય સરકારના મંત્રી પણ આ હાઈવે પરથી પસાર થાય છે છતાં હાઈવે પરના ખાડા મંત્રીઓની લાગઝુરીયસ કારને લીધે દેખાતા નથી પરંતુ સરકારી બસ અને નાના વાહનો લઈને નીકળતા રાહદારીઓ માટે આ ખાડા યમદૂતથી ઓછા નથી લાગતા ત્યારે હાલમાં જ વરસાદના લીધે દરેક મસમોટા ખાડામાં પાણી ભરાઈ ચૂક્યું છે અને હાઈવે પરથી નીકળતા વાહનો આ ખાડામાં પછડાતા વારંવાર અહીં અનેક વાહનોમાં ખામી સર્જાતા હાઈવેના વચોવચ વાહનો બંધ પડી જાય છે અને પરિવાર સાથે નીકળેલા રાહદારીઓ હેરાન પરેશાન થતા હોવાના દૃશ્યો નજરે પડે છે. તેવામાં અમદાવાદ રાજકોટના મુખ્ય હાઇવે પર પડેલા મસમોટા ખાડાથી રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.



