ફાયરિંગ કરનાર ઋતુરાજ પોલીસકર્મી પર હુમલાના બનાવમાં પહેલેથી જ જેલમાં છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી એક યુવાન જન્મ દિવસની ઉજવણીમાં હથિયાર વડે ફાયરિંગ કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વિડિયો જિલ્લા પોલીસના ધ્યાને આવતા જ વિડિયો બાબતે તપાસ શરૂ કરી હતી જેમાં ફાયરિંગ કરનાર યુવાન ચૂડા તાલુકાના ચોકડી ગામનો ઋતુરાજ લાલજીભાઈ રબારી હોવાનું સામે આવ્યું હતું જ્યારે વીડિયોમાં અન્ય એક યુવાન પણ નજરે પડતો હતો જે ચૂડાના ચાચકા ગામનો હિતેશ રણછોડભાઈ કોળી હોવાનું સામે આવ્યું હતું. જેથી વાઇરલ વીડિયોમાં આધારે જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શીંગરખીયા દ્વારા બંને વિરૂદ્ધ ગુન્હો નોંધવા પોતાની ટીમને સૂચના આપતા ચૂડા પોલીસ મથકે ગુન્હો પણ નોંધાયો છે. પરંતુ ઋતુરાજ રબારી બે દિવસ અગાઉ જ સુરેન્દ્રનગર ખાતે પોલીસકર્મીને માર મારવાના ગુન્હામાં હાલ જેલમાં હોવાનું પણ સામે આવ્યું છે.