વીડિયો વાઇરલ થતા ખનન સદંતર બંધ હોવાની વાતો પોકળ સાબિત થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દશકાથી અવિરત ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનને બંધ કરવા અનેક ડંફાસો માટે અધિકારીઓ આવી ગયા પરંતુ આજદિન સુધી ઓફ સિઝન સિવાય કોલસાનું ખનન સદંતર બંધ થયું નથી. ત્યારે કહેવત છે ” ટીટોડીના પગ ત્રણ દિવસ રાતા” તે પ્રકારે અધિકારી દ્વારા ઠેર ઠેર દરોડા કરી ફોટો સેશન થકી પોતાની વાહવાહી કરાવી અને હવે જ્યારે કોલસાના ગેરકાયદેસર ખનન થવાની સિઝન નજીક આવી ત્યારે જિલ્લામાં કોલસાનું ખનન સદંતર બંધ હોવાની ડંફાસો મારવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તંત્રની આ કોલસાનું ખનન બંધ હોવાની ડંફાસો પોકળ સાબિત કરી રહ્યો છે. આ વીડિયોમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં એક સાગર શ્રમિક યુવાન મજૂરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. જમીનથી આશરે 150 ફૂટ ઊંડાણમાં શ્રમિક સગીર યુવાનને ઉતારવામાં આવ્યો હતો અને આ મોતના કૂવામાં સગીર શ્રમિક યુવાન કોલસો કાઢવાનું કામ કરતી હોવાનું પણ નજરે પડે છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને બીજી તરફ તંત્ર દ્વારા કોલસાનું ખનન બંધ હોવાની વાતો કરી રહ્યું છે. ત્યારે વિડિયો વાઇરલ થતા તંત્ર સામે તો અનેક સવાલો ઉભા થાય છે પરંતુ સાથોસાથ દર વર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી આસપાસ કોલસાની સિઝન શરૂ થાય તે પૂર્વે જ કોલસાના ખનિજ માફીયાઓ પણ સક્રિય થયા સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે.



