પિન્ટુબાપુ પ્રગટધામના સાનિધ્યમાં આયોજન; સોના-ચાંદીના દાગીના સહિત 150 વસ્તુઓ કરિયાવરમાં અપાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
માનવતા અને સેવાના સંગમ સમાન “વ્હાલી દીકરીનો અવસર” અંતર્ગત સુરતમાં આગામી 9 જાન્યુઆરી, 2026ના રોજ ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ અને જય મામાદેવ ગ્રુપ દ્વારા પાસોદરા ગઢપુર રોડ સ્થિત યુનિટી પાર્ટી પ્લોટ ખાતે 7 આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને શાહી અંદાજમાં સાસરે વળાવવામાં આવશે.
ભવ્ય કરિયાવર અને સન્માન: પિન્ટુબાપુ પ્રગટધામ પાસોદરા વાળાના સાનિધ્યમાં યોજાનારા આ મહોત્સવમાં દીકરીઓને સોના-ચાંદીના દાગીના, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી 150થી વધુ જીવનજરૂરી વસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી અને અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશે. કાર્યક્રમમાં અંદાજે 10,000 લોકો ભોજન પ્રસાદ લેશે અને નામી કલાકારો લગ્નગીતોની પ્રસ્તુતિ કરશે.
સેવાકીય પ્રવૃત્તિઓ: પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર લગ્ન જ નહીં, પરંતુ દર પૂનમે બટુક ભોજન, ગૌસેવા અને રાશન કીટ વિતરણ જેવી પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવે છે. પિન્ટુબાપુએ જણાવ્યું હતું કે સમાજમાં આર્થિક સંઘર્ષ અનુભવતા પરિવારો માટે આ સમૂહ લગ્ન એક આશાનું કિરણ છે અને ભવિષ્યમાં આ આયોજન વધુ વ્યાપક બનાવવામાં આવશે.



