પીપલોદ સ્થિત અરોરા હોસ્પિટલના પાર્કિંગમાં સુરત સિટી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી દાંત તોડી નાંખનાર બુલેટ ચાલક યુવાનની ધરપકડ કરી તપાસ કરતા તેની કારમાંથી 35.820 ગ્રામ માદક પદાર્થ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સિટી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસિંહ પરઘવી મોપેડ પર પત્નીની સારવાર માટે પીપલોદના કારગીલ ચોક સ્થિત અરોરા હોસ્પિટલ ખાતે ગયો હતો. જયાં મોપેડનો સ્ટીલનો ગાર્ડ બુલેટ બાઇકને અડી જતા ચાલક આર્યન સતીષ કંધારી (રહે. ઇ-4/બી સંસ્કાર ફ્લેટ્સ, ઘોડદોડ રોડ) એ હાથના કડા વડે અજીતસિંહ પર હુમલો કરી દાંત તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં ઉમરા પોલીસે આર્યનની ધરપકડ કરી તેનો મોબાઇલ ચેક કરતા માદક પદાર્થના કેટલાક શંકાસ્પદ વિડીયો નજરે પડયા હતા. વિડીયોમાં આર્યન કારમાં બેસી સફેદ પ્લાસ્ટિકની કોથળીમાંથી કોઇક વસ્તુનો નશો કરી રહ્યો હતો. જેથી આ મુદ્દે પૂછપરછ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં ચરસ હોવાનું અને યશ અથવા પ્રિન્સ નામનો વ્યક્તિ આપી ગયો હોવાનું અને ચરસ પોતાની સ્કોડા કાર નં. જીજે-5 આરએન-1986 માં છુપાવી રાખી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 35.820 ગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ કિંમત રૂ. 17,910 અને કાર કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1.17 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.