500થી વધુ ફલાઈટ રદ : મંગળવારે વાવાઝોડુ ટોક્યો પહોંચવાનો ભય : દક્ષિણ જાપાનમાં વીજ સહિતની સેવાઓ પણ ખોરવાઈ
જાપાનમાં અત્યંત શક્તિશાળી વાવાઝોડુ ‘નાનમાડોલ’ દક્ષિણ વિસ્તારમાં ત્રાટક્યું છે અને 270 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 લાખથી વધુ લોકો આ વાવાઝોડાની મહા વિનાશકારી અસર હેઠળ આવી શકે છે. જાપાનના હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આ વાવાઝોડુ રવિવારે રાત્રે દક્ષિણ જાપાનના વિસ્તારોમાં અને ખાસ કરીને ટાપુ પ્રદેશ કયુશુના મુખ્ય શહેર કાગોસી પર સૌથી મોટો ભય સર્જાઇ રહ્યો છે.
- Advertisement -
જાપાનનું આ બીજા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડુ હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે સૂનામીનો ખતરો પણ વધ્યો છે. દક્ષિણ જાપાનના અનેક વિસ્તારોમાં વીજળી ઠપ્પ થઇ ગઇ છે. જાપાન એરલાઇન્સ તથા ઓલ નિપોન એરવેઝે 500થી વધુ ફલાઈટ રદ કરી છે. કયુશુમાં લેન્ડફોલ થયા બાદ વાવાઝોડાની અસર વધવા લાગી છે અને મંગળવાર સુધીમાં આ વાવાઝોડુ ટોક્યો સુધી પણ પહોંચી શકે છે જેની સાથે ભારે તોફાની સહિત ભૂસ્ખલન સહિતની ચેતવણી આપવામાં આવી છે.
જાપાનમાં અનેક વિસ્તારોમાં અત્યારે ભારે તોફાની વરસાદ શરુ થતા હજારો લોકોના સ્થળાંતરને અસર થઇ છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ શનિવારથી જ દક્ષિણી ટાપુ ક્યુશુ ખાલી કરાવવાનો પ્રારંભ થઇ ગયો હતો. ઉતરીય અને દક્ષિણી કયુશુમાં વધુમાં વધુ 160 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે અને આવતીકાલ સુધીમાં 600 મીમી વરસાદ નોંધાઈ શકે છે.
- Advertisement -
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડાના કારણે સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠશે અને સુનામીનો પણ ખતરો છે. રવિવારે આ ક્ષેત્રમાં એક શક્તિશાળી તોફાન પૂર્વ અનુમાનથી અગાઉ પહોંચી જતાં લોકોને સલામત કરવાની કામગીરીને અસર પડી હતી.