9 શખ્સોએ મંડળી રચી તલવાર-ધોકાથી માર મારતા પ્રૌઢનું મોત, ભક્તિનગર પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી તમામને ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડીને ખાડે ગઈ હોય તેમ ગત રાત્રે સશસ્ત્ર હુમલામાં એક યુવાનનું મોત નિપજતાં ચકચાર મચી જવા પામી છે પોલીસે 9 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટની ઢેબર કોલોનીમાં સામું જોવા જેવી બાબતે લાંબા સમયથી અદાવત ચાલતી હતી ગત રાત્રે થયેલી ધમાલમાં પાન બીડીની દુકાન ધરાવતાં યુવાન સહિત ચારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવને પગલે પોલીસના ઘાડે-ધાડા ઉતારી દેવામાં આવ્યાં હતાં.
રાજકોટમાં ઢેબર કોલોનીમાં મંદિર પાસે રહેતાં વિક્કી સુરેશભાઈ સોલંકી ઉ.25એ ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, ભીમાનો છોકરો શૈલેષ, ભીમાનો છોકરો નિલેશ, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજી અને યોગેશ ભગવાનજી સામે બીએનએસ એક્ટ 109(1), 118(2), 117,118(1), 189(3), 189(4), 190, 191(2) સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઢેબર મેઈન રોડ પર ઢેબર કોલોનીમાં રેલ્વે ફાટક પાસે પાનની કેબિન રાખી વેપાર કરે છે. તે પાંચ ભાઈ અને બે બહેન છે. તેના પિતા સુરેશભાઈ દુલાભાઈ સોલંકી ઉ.45, માતા, દાદા અને દાદી સાથે રહેતો હતો ગત સાંજે તે અન્ય લોકો સાથે દુકાને વાતચીત કરતો હતો ત્યારે આરોપી રાજુ અને લોહાનગરમાં રહેતાં વિજય રામદાસ બંને ઝઘડો કરતાં હોય જેથી ફરીયાદી અને તેના ભાઈ, પિતાએ ઝઘડો નહીં કરવાં સમજાવેલ અને છુટા પાડયા હતાં. જે બાબતનો ખાર રાખી રાજુ બાબુ અન્ય આરોપીઓઓને બોલાવી તલવાર, લોખંડના પાઈપ, લાકડાના ધોકા, છરી જેવાં હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી ધસી આવી જીવલેણ હુમલો કર્યો હતો. તલવાર સાથે ઘસી આવેલા ભીમાએ સુરેશ સોલંકી પર માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. નિલેશે પાઈપથી અને અરવિંદ જાદવે છરીથી હુમલો કરતાં સુરેશભાઈ ત્યાં જ ઢળી પડ્યા હતાં.
ઉપરાંત ભાઈ પ્રકાશને આરોપી ભીમાએ તલવારના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ ત્યાં હાજર અર્જુનને પણ ધોકા પાઈપથી માર માર્યો હતો. તેમજ ફરિયાદી વિક્કીને તલવારના ઘા ઝીંકી ધોકા અને પાઈપથી ઢોર માર માર્યો હતો બાદમાં આરોપીઓ વાહનોમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતાં. સરાજાહેર થયાલ હુમલાના બનાવથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયાં હતા. ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ દુલાભાઈ સોલંકી, વિક્કી સુરેશભાઈ સોલંકી, પ્રકાશ સોલંકી અને અર્જુન સોલંકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
- Advertisement -
બનાવની જાણ થતાં પોલીસના ઘાડે-ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સરવૈયા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને નવ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ સોલંકીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગણતરીની કલાકોમાં તમામ આરોપીને દબોચી લઈ પૂછતાછ કરતાં ગત સાંજે ફરીયાદી અને તેનો પરિવાર દુકાન નજીક હતાં ત્યારે ત્યાંથી પસાર થયેલ આરોપીઓએ સામું જોવા મામલે માથાકૂટ કરી હતી. જે વાતનો ખાર રાખી મોડી રાતે જીવલેણ હુમલો થયાનું સામે આવ્યું હતું.