ખોવાયેલી કાનની કડી ચોર્યાની શંકાએ લોંઠડાંના ચાર શખ્સોએ યુવકને માર મારતા મોત
જામગઢમાં વાડીએ સૂતેલાં યુવકની અજાણ્યા શખ્સો હત્યા કરી નાસી છૂટયા
કુવાડવા રોડ અને આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનો રવિવાર રક્તરંજિત બન્યો હતો કારણકે એક જ દિવસમાં હત્યાના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે લોઠડા અને જામગઢમાં ખૂની ખેલ ખેલાયો હતો કુવાડવા રોડ પોલીસ અને આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામના અને હાલ લાપાસરી ગામની સીમ ધનાભાઈના ઈટોના ભઠ્ઠામાં રહી મજૂરી કરતાં બચુભાઈ ભદુભાઈ સોલંકી ઉ.36એ આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ચાર ભાઇઓ છીએ. જેમા સૌથી મોટા સવાભાઈ તેમનાથી નાનો હું, અને મારાથી નાના ગોપાલભાઈ ભદુભાઈ સોલંકી (ઉં.વ.32) હતા. જેઓ પોતાના પત્ની સોનલબેન તથા બાળકો જેમાં ચાર દીકરી તથા એક દીકરા સાથે અમારી સાથે જ રહેતા હતા. અને ગોપાલભાઈ કાન નાક વીંધવાનું અને કટલેરી વેચવાની ફેરી કરતો હતો. સૌથી નાના પોપટભાઈ છે. તેમ જ મારા માતા હીરાબેન તથા પિતાજી ભદુભાઈ ભાવનભાઈ કરીયાણા (કીડી) ગામે રહે છે તા.17/05/2025 ના રોજ સવારે મારો નાનો ભાઇ ગોપાલભાઈ પોતાનુ બાઈક લઇ કાન નાક વીંધવા તેમજ કટલેરી વેચવા માટે લોઠડા ગામ બાજુ જવાનુ કહી ઘરેથી નીકળેલ હતો. હું પણ મજુરી કામે ઇશ્વરીયા મહાદેવ મંદીર તરફ ગયેલ હતો સાંજના છએક વાગ્યે ઘરે આવેલ ત્યારે મારો ભાઇ ગોપાલ ઘરે આવેલ ન હોય જેથી તેના પત્ની સોનલબેનને પુછતા તેણે કામ ઉપરથી આવેલ નહી હોવાનુ જણાવેલ. ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો મોડી રાત થઈ ગયેલ હોય જેથી અમો ઘરે બધા સુઇ ગયેલા તા. 18/05/2025ના રોજ સવારે બાજુમા રહેતા મારા મામાના દીકરા બાબુભાઈ રૂપાભાઈ સોલંકી તથા તેનો ભત્રીજો મુકેશભાઈ ભુપતભાઈ સોલંકી મારા ભાઈ ગોપાલની તપાસ કરવા માટે લોઠડા ગામે ગયેલ અને તપાસ કરતા અમને જાણવા મળેલ કે, તા. 17/05/20 25ના રોજ સવારના એક નાક કાન વીંધવા વાળા ભાઈ પોતાનુ મોટર સાયકલ લઇને આવેલ હતા અને તે લોઠડા ગામમા રહેતા પરબત ભીમાભાઈ કોળીના ઘરે ગયેલ ત્યારે કોઇ કારણસર ઝગડો થતા તેને ત્યાં પરબત અને તેના દીકરા તેમજ બીજા લોકોએ માર મારેલ અને ત્યાંથી ઇકો ગાડીમાં નાખી સાથે બે બાઇકમાં અમુક લોકો ગામની વીડીમાં લઇ ગયેલ ત્યાં પણ મારા ભાઇને આ તમામ લોકોએ કોઈ હથીયારથી તેમજ ઢીકાપાટુનો આડેધડ માર મારી તેમને ત્યાં જ મુકી જતા રહેલ હોય અને બાદ મારા ભાઈ બેભાન હાલતમાં પડેલ હોય કોઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 આવી ગયેલ અને મારા ભાઈ ગોપાલભાઈને મરણ ગયેલ જાહેર કરેલ હતો આજીડેમ પોલીસનો સ્ટાફ આવી ગયેલ અને મારા ભાઇની લાશને પી.એમ. કરવા માટે લઇ ગયેલ. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બાળકીના કાન વિંધતી વખતે કળી ખોવાતા ગોપાલે ચોરી હોવાની શંકાએ માર મરાયો હતો. પોલીસે આરોપીઓને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં જામગઢ ગામે રહેતા વિનુભાઇ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ અજાણ્યા શખ્સો સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નાના ભાઈ મુકેશભાઈ વેલાભાઇ વાવડીયા ઉ.33ની હત્યા અંગે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો બે ભાઇઓ તથા 2 બહેનો છીએ ગત તા.17/05/2025 ના રોજ મુકેશ આઠેક વાગ્યે ઘરેથી જમીને બહાર ગયેલ. તે દરરોજ રાત્રીના જમીને અમારી વાડીએ સુવા માટે જતો હતો હું પણ જમીને ગામમાં ગયેલ અમારા ગામમાં વનરાજભાઈની કેબીને બીડી લેવા ગયેલ પછી ઘરે જઇ સુઇ ગયો હતો તા. 18ના રોજ સવારે હુ મારા ઘરેથી અમારી નકટી નામની વાડીએ ગયેલ હતો ત્યા અમારી વાડીમાં જોતા ત્યા ખાટલા ઉપર મારો ભાઈ મુકેશ લોહી લુહાણ હાલતમાં પડેલ હતો તેને મોઢાના ભાગે તથા આંખના ભાગે તથા કપાળના ભાગે કોઈ હથીયાર વડે ઇજા કરેલના નિશાન હતા મારી પત્ની કોમલને કાકાના દિકરા ધનજીભાઈ સાથે વાત કરાવવા કહ્યું, ધનજીભાઈ વાડીએ આવ્યા હતા અને 108માં ફોન કરતા 108 આવી જતા મારાભાઈ મુકેશભાઇને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો કુવાડવા રોડ પોલીસના સ્ટાફે આવી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી અજાણ્યા શખશો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.