હનીટ્રેપમાંથી યુવાનોને છોડાવનાર પોલીસ ખુદ શિકાર બની
યુવતીએ હનીટ્રેપમાં ફસાવી IPS ઓફિસરોને બ્લેક મેઈલ કરી કરોડો પડાવ્યા, છતાં એકેય અધિકારી ફરિયાદ નથી કરતાં
- Advertisement -
યુવતીએ ગાંધીનગર સ્થિત કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં ઘોડેસવારી માટે એડમિશન લીધું અને ધીમે ધીમે IPS ઓફિસરોના સંપર્કમાં આવી પોતાની મોહજાળમાં ફસાવ્યા
6 IPS ઓફિસરમાંથી 4 ફસાયા, બે બચી ગયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કેટલાય યુવકોએ આ હનીટ્રેપમાં ફસાઈને બરબાદ થઈ ચુક્યા છે પરંતુ અહીં જે ઘટના બની છે તે એકદમ શોકિંગ છે કેમ કે, હનીટ્રેપમાંથી યુવકોને છોડાવતું પોલીસ તંત્ર ખુદ શિકાર થઈ ચુક્યું છે. અપ્સરા જેવી દેખાતી એક મધ્ય પ્રદેશની યુવતીની સુંદરતા પર ગુજરાત પોલીસના એક-બે નહીં પરંતુ છ આઈપીએસ અધિકારીઓ મોહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે હની ટ્રેપિંગ કરનાર યુવતીએ અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ પછી પણ આ પોલીસ અધિકારીઓ મોઢું ખોલવા તૈયાર નથી. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાનો અહેવાલ અમદાવાદ મિરરએ પ્રસિદ્ધ કર્યો હતો.
- Advertisement -
મધ્યપ્રદેશના ઈન્દોરની અનુરાધા (નામ બદલ્યું છે)એ લગભગ આઠ મહિના પહેલા ગાંધીનગર સ્થિત કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં ઘોડસવારી માટે એડ્મિશન લીધું. સોશિયલ મીડિયા અને મેસેજ દ્વારા છોકરી સૌથી પહેલા એક યુવાન આઇપીએસ ઓફિસરના સંપર્કમાં આવી. ધીમે ધીમે નિકટતા વધી તો છોકરીએ આઇપીએસનો હનીટ્રેપ કર્યો. કહેવામાં આવે છે કે યુવાન ઓફિસર પાસેથી લાખો રૂપિયા વસૂલ કર્યા. ત્યાર બાદ એક-એક કરીને આ છોકરીએ છ આઈપીએસ ઓફિસરોને પોતાના જાળમાં ફસાવ્યા અને કરોડો રૂપિયા વસૂલ કર્યા. આમાં ચાર આઇપીએસ ઓફિસર તો સંપૂર્ણ રીતે હનીટ્રેપ થઈ ગયા, જયારે બે ઓફિસર જાળમાં ફસાતા પહેલા બચી ગયા.
કરાઈ પોલીસ એકેડમીમાં આઠ મહિના પહેલા આ હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટનાની ખબર પડી. અહીં અનેક આઇપીએસ અધિકારીઓને છોકરીએ પોતાના જાળમાં ફસાવી લીધા હતા. હનીટ્રેપ પર રૂપિયાની વસૂલી સાથે જોડાયેલ મામલે અંદરખાને ખૂબ જ ચર્ચા થઈ રહી છે, પણ ફસાયેલા આઈપીએસ અધિકારી ફરિયાદ કરતા ખચકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓના મેસેજ, ફોટોઝ અને વીડિયોઝ આ છોકરી પાસે છે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હનીટ્રેપના આ હાઈ પ્રોફાઈલ કેસમાં ફસાયેલા છ આઈપીએસમાંથી એક યુવાન આઈપીએસના ઘર સુધી મામલો પહોંચ્યો છે. સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં લગ્ન બંધનમાં બંધાયેલા આ આઈપીએસ અધિકારીને એક કરોડ રૂપિયા આપવા પડ્યા. તેમ છતાં પણ આઈપીએસ ઓફિસર ફરિયાદ નોંધવવા તૈયાર નથી. આ હનીટ્રેપમાં 4 આઈપીએસ ખરાબ રીતે ફસાઈ ગયા તો બે ઓફિસરના નસીબ સારા હતા, શરૂઆતમાં જયારે તેમણે કંઈક શંકાસ્પદ અને અજીબ લાગ્યું તો તેમણે અંતર સાધી લીધું.