રાજ્યના ચેકડેમો, તળાવો ઊંડા ઉતારવાનો પ્રારંભ થશે, ખેડૂતો કાંપ લઈ જઈ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વીંછિયાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંચય માટે પાણી પૂરવઠા વિભાગ દ્વારા 10 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ અભિયાન શરૂ થશે. તેમણે વીંછિયામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ કામગીરી સમયસર પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી હતી.
બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં સિંચાઈના અને પીવાના પાણી માટે દૂરંદેશીભર્યું અભિયાન ઉપાડ્યું છે. ભૂતકાળમા નરેન્દ્ર મોદીએ સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી પહોંચે, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામના માધ્યમથી પાણી પહોંચે અને દક્ષિણ ગુજરાતમાં મોટા ડેમો બનાવી, મોટા માળખા ઊભા કરીને સિંચાઈનું પાણી ખેડૂતોને ખેતરો સુધી મળે તે માટે પ્રયાસો કર્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ જળસંચય અભિયાનના ભાગરૂપે પાણી પુરવઠા વિભાગે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભૂતકાળમાં બનેલા ચેકડેમો, અછતમાં જળ-સંગ્રહ માટે બનાવાયેલા માળખાં, તળાવોનું નવીનીકરણ કરવા માટે અભિયાન ઉપાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે હકારાત્મક અભિગમ સાથે ફંડ સહિતની તમામ મદદની ખાતરી આપી છે.
રાજ્યમાં 10 ફેબ્રુઆરીથી સુજલામ-સુફલામ અભિયાન
