જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા લાગ્યા, સ્થાનિકોએ જાણ કરતાં તંત્ર પહોંચ્યું અને….
જલ સંસ્થાનની પાઇપલાઇન ફાટવાથી પાણી આવ્યું: પ્રશાસન
ચારધામ યાત્રા પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તરાખંડના જોશીમઠમાં એક વખત જળસ્ત્રોત ફૂટવા લાગતાં ગભરાટનો માહોલ છે. વિગતો મુજબ પાણીનો પ્રવાહ લગભગ 500 લિટર પ્રતિ મિનિટ હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં એક સપ્તાહથી પાણીનો પ્રવાહ અટવાયેલો છે. ખતરાની આશંકાને જોતા સ્થાનિક લોકોએ સ્થાનિક પ્રશાસન અને સરકારને જાણ કરી છે. બીજી તરફ જિલ્લા પ્રશાસને ખતરાની વાતને ફગાવીને કહ્યું કે, આ પાણીનો નિકાલ નથી, પરંતુ જલ સંસ્થાનની પાઇપલાઇન ફાટવાથી પાણી આવ્યું છે.
- Advertisement -
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા લાગ્યા હતા. રવિવારે સવારે સ્થાનિક લોકોએ આ અંગે પ્રશાસનને જાણ કરી કહ્યું કે, કાદવવાળું પાણી વહી રહ્યું છે. ભયની આશંકા જોતા વહીવટી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વાહનોની અવર જવર પર રોક, હાઇવે પર 10 મોટી તિરાડ
જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા જિલ્લા કલેક્ટરે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જે બાદમાં કહ્યું કે, ઘણું નુકશાન થયું છે. જેના કારણે વાહનોના અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. મોટા વાહનો મુખ્ય બજારમાંથી જવા દેવાશે જ્યારે હળવા વાહનો અહીથી પોલીસની દેખરેખમાં જઈ શકશે. આ સાથે હાઇવે પર વધુ 10 મોટી તિરાડ પડ્યાના પણ અહેવાલ છે.
શું કહ્યું SDMએ ?
જોશીમઠના SDM કુમકુમ જોશીએ જણાવ્યું કે, પાણી લીકેજની વાત નથી. જોશીમઠ ઉપરથી જતી જલ સંસ્થાનની પાઈપલાઈનને નુકસાન થવાના કારણે અહીં પાણી આવ્યું છે. પાઈન લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
પાણીના લીકેજ સાથે ભૂસ્ખલન શરૂ થયું
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 2 જાન્યુઆરીએ પણ અહીં પાણી લીક થયું હતું. આ પછી ભૂસ્ખલન શરૂ થયું. જેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા અને અનેક મકાનોમાં તિરાડો પડી હતી. જેના કારણે 250 પરિવારોએ પોતાનું ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો.
ભૂસ્તર વિભાગ કરી રહ્યું છે મોનીટરીંગ
SDM કુમકુમ જોશીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ પાઇપલાઇનનું સમારકામ કરીને પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવશે. આમ છતાં સંભવિત ખતરાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભૂસ્તર વિભાગની ટીમને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. વિભાગને દરેક નાની-મોટી અપડેટ ઉચ્ચ અધિકારીઓને મોકલવા અને ભૂસ્ખલન અટકાવવા યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
પાણીના પ્રવાહમાંથી નીકળી રહી છે માટી
જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સેઠીએ જણાવ્યું કે, પાણીના આ ઝડપી પ્રવાહને કારણે પહાડની નીચેથી માટી નીકળી રહી છે. આખો હિસ્સો ડુંગર ખાખ થઈ ગયો છે અને અહીં ગમે ત્યારે પહાડ સરકી શકે છે. જેના કારણે સ્થાનિક લોકો માટે ખતરો વધી ગયો છે. તેમણે સરકાર પાસે આ સમગ્ર મામલાને વહેલી તકે અભ્યાસ કરીને તેનો રિપોર્ટ જાહેર કરવા માંગ કરી છે.