દેશના 293 સંશોધકો અને અધ્યાપકોએ 243 સંશોધન પેપર રજૂ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને સોશિયલ વર્ક વિભાગ તથા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ, નવી દિલ્હીના સહયોગથી “જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. દેશભરના 304 સંશોધકો અને શિક્ષકોમાંથી 293 જણાની ઉપસ્થિતિ સાથે સેમિનાર સફળ રીતે સંપન્ન થયો.
સેમિનાર દરમિયાન કુલ 8 સત્રો અને એક ઓપન પેનલનું આયોજન થયું હતું. વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા રજૂ કરાયેલા શોધપત્રો અને ચર્ચાઓમાં જનજાતિ સંસ્કૃતિના ઈતિહાસ, પરંપરા અને આધુનિકતાની વચ્ચેના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સમાપન સમારંભના અધ્યક્ષ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને 2030 સુધીમાં ભારત 7 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થતંત્ર બનવાનો માર્ગે છે. તેઓએ યુવા પેઢીને વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા પ્રેરણા આપી અને કહ્યું કે યુવાઓ તંદુરસ્ત, શિક્ષિત અને કુશળ હશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે.
- Advertisement -
તેમણે યુનિવર્સિટીના સંશોધકોને ભયમુક્ત વાતાવરણમાં સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે શિક્ષણ સાથે કૌશલ્યનો વિકાસ પણ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન પોતાનું સર્વાંગીક ઘડતર કરી શકે. કાર્યક્રમની શરૂઆતમાં પ્રોફેસર ડો. જયસિંહ ઝાલાએ મહેમાનોનું સ્વાગત કર્યું, ડો. પરાગ દેવાણીએ સંચાલન કર્યું અને ડો. ઋષિરાજ ઉપાધ્યાયે સેમિનાર રિપોર્ટ રજૂ કર્યો. શ્રેષ્ઠ પેપર્સ રજૂ કરનાર સંશોધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ સેમિનાર યુવા સંશોધકો માટે જ્ઞાનવિસ્તાર અને સાંસ્કૃતિક ચેતનાનું મંચ બન્યો હતો.