બીજા કરતા ઓછા માર્ક્સ આવે કે પરિણામ નબળું આવે એટલે કરિયર ખતમ થઇ ગયું એવું બિલકુલ નથી
જામજોધપુર તાલુકામાં વાલાસણ નામનું એક ગામ છે. આ ગામ ના ખેડૂત શૈલેષભાઈ ભડાણીયાના પુત્ર મૌલિકને ભણી-ગણીને ડોકટર બનવાની ઈચ્છા હતી. ધોરાજીની એક શાળામાં ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં એડમિશન લીધું. વિજ્ઞાનપ્રવાહમાં બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં ઓછા માર્ક આવતા હોવાથી મૌલિક હતાશ થઇ ગયો. હતાશાએ ધીમે ધીમે આ વિદ્યાર્થીને નિરાસાની એવી ઊંડી ખીણમાં ધકેલી દીધો કે એણે ભણવાનું જ છોડી દીધું.
- Advertisement -
ભણવાનું મુકીને 17 વર્ષનો આ કિશોર ગામડે જતો રહ્યો અને ખેતી કામમાં લાગી ગયો. ડોક્ટર બનવાના સપના જોતો છોકરો ખેતી કરવા લાગ્યો. આગળ કોઈ ધંધો કરીને જીવન નિર્વાહ ચલાવી લઈશ એવું વિચારતા આ છોકરાને કોઈએ કહ્યું કે 12મુ પાસ ન કર્યું હોય એવા છોકરાને કોઈ સારી છોકરી પણ ન આપે. મૌલિકે નક્કી કર્યું કે હું એક્સ્ટર્નલમાં 12 પાસ કરીને પછી કોલેજ કરી લઉં તો જીવનમાં બીજી મુશ્કેલીઓ ન પડે.
બે વર્ષ કરતા વધુ સમય ખેતી કર્યા બાદ કોમર્સના એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરવા એ ધોરાજી પહોંચ્યો. મૌલિકની મુલાકાત એના જુના સાયન્સ ટીચર પટેલ સાહેબ, પોપટ સાહેબ અને ખરેડ સાહેબ સાથે થઇ. જ્યારે આ શિક્ષકોને ખબર પડી કે મૌલિક કોમર્સનું ફોર્મ ભરવા આવ્યો છે ત્યારે પટેલ સાહેબ અને પોપટ સાહેબે એને સમજાવ્યો અને જેવી રીતે જામવાનજીએ હનુમાનજીને એની ક્ષમતાઓનો પરિચય કરાવ્યો હતો એમ મૌલિકને તેની ક્ષમતાનો પરિચય કરાવ્યો. મૌલિકને પણ એવું મોટીવેશન મળ્યું કે એ ફરીથી વિજ્ઞાનપ્રવાહનો અધુરો અભ્યાસ શરુ કરવા તૈયાર થયો. ખેતીકામ મુકીને મૌલિક ફરીથી ભણવા બેઠો.
વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસક્રમ બદલાયેલો હોવાથી થોડી મુશ્કેલી પડી પરંતુ હિંમત હાર્યા વગર દિલથી મહેનત કરી. ધોરણ 12ના ફરી શરુ કરેલા અભ્યાસ દરમ્યાન જ મૌલિકને જેની સાથે ખુબ લગાવ હતો એવા એના દાદા રતનશીભાઈનું અવસાન થયું એટલે એ થોડો ઢીલો પડ્યો પણ લક્ષ્યને પાર પાડવા અને દાદાને શ્રેષ્ઠ પરિણામરૂપી અંજલી આપવા એ મહેનતમાં લાગી ગયો. જ્યારે 12મા ધોરણનું પરિણામ આવ્યું ત્યારે મૌલિકે બધાને ચોંકાવી દીધા. બોર્ડમાં 96.33% અને ગુજકેટમાં 97.79% માર્ક્સ આવ્યા. અત્યંત ઊંચા ટકાને કારણે મૌલિકને તબીબી અભ્યાસમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગણાતી બી.જે.મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયું. એમ.બી.બી.એસ.પૂર્ણ કર્યા બાદ પી.જી. માટેની પરીક્ષા આપી અને એમાં પ્રથમ પ્રયત્ને જ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ખજ જનરલ સર્જરીમાં એડમિશન મળી ગયું. મૌલિકને સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટર બનવું હતું એટલે એણે દિલ્હીની નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાતી ગઊઊઝ-જજ પરીક્ષા આપી. રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યો વચ્ચે માત્ર એક જ સીટ હતી તે સીટ પર મૌલિકે એડમિશન મેળવ્યું. માત્ર એડમિશન મેળવ્યું એટલું જ નહિ ખઈવ ગેસ્ટ્રોસર્જનની સુપર સ્પેશીયાલીસ્ટ પરીક્ષામાં ગોલ્ડમેડલ પણ પ્રાપ્ત કર્યો. જે મૌલિકે હતાશ થઈને અભ્યાસ છોડી બે વર્ષ ખેતી કરી હતી તે આજે શિક્ષકોની પ્રેરણા, પરિવારનો સહકાર અને પોતાની મહેનતના પરિણામે ડો. મૌલિક ભડાણીયા બની રાજકોટમાં સેવા આપે છે અને સૌરાષ્ટ્રના ખઈવ ડીગ્રી ધરાવતા સૌપ્રથમ સુપર સ્પેશીયાલીસ્ટ ગેસ્ટ્રોસર્જન અને ગેસ્ટ્રો કેન્સર સર્જન બન્યા છે. મિત્રો, બીજા કરતા ઓછા માર્ક્સ આવે કે પરિણામ નબળું આવે એટલે કરિયર ખતમ થઇ ગયું એવું બિલકુલ નથી. પોતાની જાત પર વિશ્વાસ રાખી પ્રચંડ પુરુષાર્થ સાથે ફરીથી આગળ વધવાના પ્રયાસ કરવામાં આવે તો સફળતા જરૂરથી મળતી હોય છે.