ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર છે, શામળદાસ ગાંધી
કલમની સાથે જરૂર પડ્યે તલવાર ઉઠાવનાર રાષ્ટ્રવાદી પત્રકાર
– ભવ્ય રાવલ
શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના ખ્યાતનામ પત્રકારો પૈકીના એક પત્રકાર છે. શામળદાસ ગાંધીએ પત્રકારત્વની શરૂઆત 1923માં રણછોડદાસ લોટાવાળાના હિંદુસ્તાન પત્રથી કરી હતી. શરૂઆતમાં પત્રનું સમગ્ર સંચાલન સંભાળ્યા બાદ તેઓ તેના તંત્રી બની ગયા. શામળદાસ ગાંધી હિંદુસ્તાન પત્રના તંત્રી બન્યા પછી તેમાં તેમણે ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા. હિંદુસ્તાન પત્રમાં જાહેરખબરોની જગ્યાએ સમાચારો વધુ છાપવાની શરૂઆત થઈ સાથેસાથે હિંદુસ્તાન પત્રમાં કાર્ટૂનો અને તસવીરો છાપવાની શરૂઆત પણ શામળદાસ ગાંધીએ કરી દીધી. શામળદાસ ગાંધીના તંત્રીસ્થાનેથી હિંદુસ્તાન પત્રમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારો બાદ તે પત્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. સમય પસાર થતા શામળદાસ ગાંધીને હિંદુસ્તાન પત્રના માલિક રણછોડદાસ લોટાવાળા સાથે વૈચારિક મતભેદ થતા તેમણે હિંદુસ્તાન પત્ર છોડી પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક કર્મભૂમિ શરૂ કર્યું, જે લાંબુ ન ચાલ્યું.
- Advertisement -
શામળદાસ ગાંધીએ શરૂ કરેલા સાપ્તાહિક કર્મભૂમિના બાળમરણ થયા બાદ તેમણે કાઠિયાવાડના દેશી રાજ્યોમાં થતા જોરજુલ્મો પર કાઠિયાવાડની કાળરાત્રિ નામુનું પુસ્તક લખ્યું અને પછી તેઓ અમૃતલાલ શેઠના જન્મભૂમિ પત્રમાં જોડાઈ ગયા અને અહીંથી શામળદાસ ગાંધીએ એક સમર્થ પત્રકાર તરીકે પોતાની ક્ષમતાનો પૂરો પરિચય આપ્યો. હિંદુસ્તાન પત્રની જેમ જન્મભૂમિ પત્રને એક નવું સ્વરૂપ આપવામાં શામળદાસ ગાંધીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. શામળદાસ ગાંધી પાંચથી છ વર્ષ સુધી જન્મભૂમિ પત્રના મુખ્ય સૂત્રધાર રહ્યા. જન્મભૂમિ પત્રના તંત્રી તરીકે સમાચારની રજૂઆત, સમાચારના મથાળા, અખબારનું લે-આઉટ, ડિઝાઈન વગેરે બાબતમાં શામળદાસ ગાંધી ખૂબ જ ચોક્કસાઈ રાખતા. તેઓ જે અગ્રલેખ લખતા તે આકર્ષક અને નોંધનીય રહેતા. કોઈ ઘટના પર તેઓ જન્મભૂમિનો ખાસ વધારો બહાર પાડતા. ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં શામળદાસ ગાંધી જન્મભૂમિ પત્રને એક નવી ઊંચાઈ સુધી લઈ ગયા હતા અને જ્યારે જન્મભૂમિ પત્ર પર આર્થિક સંકટ આવ્યું ત્યારે પણ તેમણે તેનું સંચાલન સુંદર રીતે કરી બતાવ્યું હતું.
કહેવાય છે કે, પત્રકાર તરીકે શામળદાસ ગાંધીનું તેજ તેઓ મુંબઈના જન્મભૂમિ પત્રમાં જોડાયા ત્યારથી વિશેષ રીતે ઝળક્યું હતું. ક્રમશ: પ્રગતિ કરીને તેઓ જન્મભૂમિ પત્રમાં ઉપતંત્રી બન્યા અને 1937થી 1940 દરમિયાન જન્મભૂમિના તંત્રી તરીકે રહ્યા. હિંદુસ્તાન પત્રમાં રણછોડદાસ લોટાવાળા સાથે જેમ શામળદાસ ગાંધીને વૈચારિક મતભેદો થયા અને તેમણે હિંદુસ્તાન પત્ર છોડ્યું તેમ શામળદાસ ગાંધીને જન્મભૂમિ પત્રના સ્થાપક અમૃતલાલ શેઠ સાથે પણ વૈચારિક મતભેદ થયા અને તેમણે જન્મભૂમિ પત્ર છોડ્યું. શામળદાસ ગાંધી પોતાના કેટલાંક સાથીઓ સાથે જન્મભૂમિ પત્રમાંથી છૂટા પડ્યા અને ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં તેમણે ફરી પોતાનું સ્વતંત્ર પત્ર વંદે માતરમ શરૂ કર્યું. 15 માર્ચ, 1941ના રોજ શરૂ થયેલા વંદે માતરમ પત્રએ ટૂંકા ગાળામાં મોટી નામના હાંસલ કરી લીધી. શામળદાસ ગાંધી રાષ્ટ્રવાદી પત્રકારના પ્રતિક હતા તો વંદે માતરમ રાષ્ટ્રવાદી પત્રકારત્વનું પ્રતિબિંબસમું પત્ર હતું.
પોતે જે પત્રમાં હોય તે પત્રને માત્ર સફળતાના શિખરો સર કરાવવા બદલ જ નહીં પરંતુ બીજા અનેક કારણોસર શામળદાસ ગાંધીને શૈલીકાર અને યુગધર્મી પત્રકાર કહેવાય છે. એક પત્રકાર, તંત્રી તરીકે શામળદાસ ગાંધીની લેખન અને રજૂઆત શૈલીમાં જોમ જુસ્સો હતો.
શામળદાસ ગાંધીમાં એડિટર સાથે રિપોટરના બધા જ ગુણો – લક્ષણો હતા. શામળદાસ ગાંધીની કસાયેલી કલમ સચોટ આલેખન કરવામાં એટલી માહેર હતી કે રિપોટર તરીકે તેમના સમાચાર હોય કે એડિટર તરીકે તેમના તંત્રીલેખ હોય એ બંનેમાં તેમની હથોટી ઉડીને આંખે વળગતી હતી. ભારતની આઝાદીમાં ફાળો નોંધાવનાર પત્રો જન્મભૂમિ અને વંદે માતરમ બંનેના તેઓ તંત્રી બન્યા હતા અને જૂનાગઢને આઝાદી અપાવવામાં પણ તેમને મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેમણે મુંબઈ જઈ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું, ગુજરાતી પત્રકારત્વનું ગૌરવ વધાર્યું તેથી ફક્ત ગુજરાતી પત્રકારત્વમાં જ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પણ શામળદાસ ગાંધીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે. શામળદાસ ગાંધીના સમકાલીનો અને ઈતિહાસવિદ્દોએ શામળદાસ ગાંધીના પત્રકાર ઉપરાંત આંદોલનકારી, સ્વતંત્રસેનાની, રાજકારણી તરીકેના વિવિધ પાસાંઓની પ્રસંશા કરી નોંધ લીધી છે.
- Advertisement -
મોહનદાસ ગાંધીના મોટાભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ મુંબઈમાં પત્રકારત્વની કામગીરી દરમિયાન સામાજિક આદોલનકર્તાની ભૂમિકા ભજવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની જનતાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ મંડળ રચાયું હતું. મુંબઈમાં એક નીડર અને બાહોશ પત્રકાર તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તે રાજદ્વારી તથા સામાજિક પ્રવૃત્તિઓના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવતા હોય મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર કાઠિયાવાડ પ્રજામંડળના તે પ્રમુખ હતા. જૂન 1947માં મુંબઈના આઝાદ મેદાન ઉપર મળેલા કાઠિયાવાડ પ્રજા સંમેલનના તે સ્વાગત પ્રમુખ હતા. તે સંમેલનમાં તેમણે જામ-જૂથ યોજનાનો પ્રતિકાર કરવા પ્રજાને અને નેતાઓને અનુરોધ કર્યો હતો.
તા. 25 સપ્ટેમ્બર, 1947ના રોજ જૂનાગઢના વતનીઓની એક જાહેર સભા મુંબઈ માધવબાગમાં મળી. આ સભામાં આરઝી હકૂમતની (કામચલાઉ સરકાર) રચના કરવાનો અને જૂનાગઢમાંથી નવાબને તલવારના જોરે હાંકી કાઢી કાઢવાનો નિર્ણય લેવાયો. શામળદાસ ગાંધી આ કામચલાઉ સરકારના વડા બન્યા. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ વંદે માતરમના કાર્યાલયમાં આરઝી હકુમતની સ્થાપના અને જૂનાગઢની આઝાદી માટે ઉચ્ચસ્તરીય બેઠક થયા બાદ 1947માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસ ગાંધીને બનાવ્યા. જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદરમાં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસ ગાંધીને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા, પરંતુ તેમણે તે પ્રસ્તાવ ભારત સરકારની તરફેણમાં જતો કર્યો.
સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનમંડળમાં જૂનાગઢના પ્રતિનિધિ શામળદાસ ગાંધીને સ્થાન આપવામાં આવ્યું. 25 જાન્યુઆરી 1949થી 18 જાન્યુઆરી 1950 એટલે કે લગભગ એક વર્ષ સુધી તે સૌરાષ્ટ્રમાં મહેસૂલ પ્રધાન હતા. શામળદાસ ગાંધીને હિંદુસ્તાન અને જન્મભૂમિના માલિકો સાથે થયેલા વૈચારિક મતભેદની જેમ સરકારના માલિકો સાથે પણ વૈચારિક મતભેદ થતા તેઓ પ્રધાનમંડળમાંથી છૂટા થઈ ગયા અને પછી પત્રકાર શામળદાસ ગાંધી અને તેમનું પત્ર વંદે માતરમ આર્થિક ભીંસમાં આવી પડ્યાં. શામળદાસ ગાંધી પોતાના જીવનના અંતિમ વર્ષોમાં આઝાદ ભારતમાં ચૂંટણી પણ લડ્યા અને હાર્યા પણ ખરા, અંતે હદયરોગના હુમલાથી તેમનું નિધન થયું. શામળદાસ ગાંધીના અવસાન બાદ તેમનું પત્ર વંદે માતરમ પણ બંધ પડ્યું. તેઓ અંતિમ શ્વાસ સુધી ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. કેટલાંક અભ્યાસુંઓ રાજકરણના ક્ષેત્રમાં ભલે તેમને નિષ્ફળ ગણાવે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં સો ટકા સફળ રહ્યાં હતા, ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગધર્મી પત્રકાર શામળદાસ ગાંધી.
વધારો : આઝાદીની જંગમાં શામળદાસ ગાંધીએ જરૂર પડ્યે કલમની સાથે તલવાર પણ ઉપાડી હોય એવા ઘણા કિસ્સા મૌજૂદ છે. આરઝી હકૂમતના પ્રમુખ તરીકે તેમણે પોતાની લડતને જૂનાગઢના નવાબી તંત્ર સામેની લડત ગણાવી હતી અને આ લડતને તેમણે ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું. બાહોશ વર્તન-વ્યવહાર અને બેબાક વાણીને કારણે શામળદાસ ગાંધી સૌરાષ્ટ્રના સુભાષ તરીકે ઓળખવા લાગ્યા હતા. આરઝી હકૂમતનું પાંચ સભ્યોનું બનેલું પ્રધાનમંડળ મુંબઈથી રાજકોટ આવવા રવાના થયું ત્યારે શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે તલવાર બંધાવી હતી. પત્રકાર શામળદાસ ગાંધીના હાથમાં કલમની જગ્યાએ યુદ્ધના પ્રતિક તરીકે તલવાર ભેટ અપાઈ હતી ત્યારે જૂનાગઢમાંથી નવાબી શાસનનો આજથી અંત આવે છે એવો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.


