45 ફૂટ લાંબી રાખડી તૈયાર કરાઈ: રાખડીની વસ્તુઓ ગરીબ અને કોર્પોરેશનના વિદ્યાર્થીઓને અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની વિરાણી હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મેગા પ્રેરક રાખડી તૈયાર કરવામાં આવી છે.
- Advertisement -
રક્ષાબંધનની પૂર્વ પ્રભાતે 45 ફૂટ લાંબી અને આશરે 230 સ્કેવર ફુટની આ રાખડી તૈયાર કરાઈ છે. રાખડી બનાવવા માટે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ જેવી કે ડ્રોઈંગ બુક, પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, સ્કેચપેન, દેશી હિસાબ, ચોપડા વગેરેનો ઉપયોગ કરાયો છે.
હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ રાખડી બનાવી છે. રાખડીની બધી ચીજવસ્તુઓ શાળાનાં બાળકોએ પોતાના પોકેટમનીમાંથી તથા સી.જે. ગ્રુપના સહયોગથી એકત્રિત કરવામાં આવી હતી. રાખડીની બધી વસ્તુઓનું વિતરણ કોર્પોરેશનની શાળાના બાળકોને તથા ઝૂંપડપટ્ટીના બાળકોને આપવામાં આવશે. પ્રકૃતિનું રક્ષણ કરવા હેતુથી બાળકોએ વૃક્ષોને કંકુ તિલક કરી, રક્ષા બાંધી વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. શાળાના બાળકોને વધુને વધુ વૃક્ષો વાવવાના શપથ લેવડાવામાં આવ્યા હતા.