આગામી દિવસોમાં આ ટીમ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરવા દિલ્હી જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી રાજ્યકક્ષા સમૂહગીત સ્પર્ધામાં પ્રોએક્ટિવ એકેડમીના વિદ્યાર્થીની-બહેનોએ પ્રથમ સ્થાન હાંસલ કરીને એકેડમીનું નામ રાજ્યકક્ષા પર ગૌરવપૂર્ણ બનાવ્યું છે. આ સ્પર્ધા હેમુગઢવી હોલ ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યભરની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીની બહેનોની આ ટીમને તાલીમ પ્રોએક્ટિવ એકેડમીના પ્રતિભાશાળી તાલીમકારો શ્રી હિતેશ ગૌસ્વામી અને શ્રી વિવેક ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી. આ બંનેના શ્રેષ્ઠ માર્ગદર્શન અને ટીમના અનોખા સમર્પણના કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. ન્યાયાધીશોએ તેમના પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, “આ પ્રસ્તુતિ સંગીતના હ્રદયને સ્પર્શતી શ્રેષ્ઠ તકનીક અને સુમેળનું પ્રતિબિંબ છે.”
એકેડમીના સંચાલકો શ્રી હિતેશ ગૌસ્વામી અને શ્રી વિવેક ઉપાધ્યાયે વિજેતા ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ જીત માત્ર એક જીત નથી, પરંતુ શ્રમ, સમર્પણ અને કર્તવ્ય પરિપૂર્ણતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ વિદ્યાર્થીની બહેનોએ એકેડમીનું નામ ઉંચું કર્યું છે અને ભવિષ્ય માટે નવી પ્રેરણા પેદા કરી છે. આ મોહક સફળતા સંસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડશે અને નવી પેઢીને પ્રેરણારૂપ બની રહેશે.”
આગામી દિવસોમાં આ ટીમ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરવા દિલ્હી જશે. આ સમૂહગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોમાં પિરાણી મહેક, રામાણી બંસી, લશ્કરી ડોલી, સોલંકી અવની, પાનસુરિયા હેતસ્વી, ત્રિવેદી પૂર્વા, ઝાલા સુરભીબા અને રાઠોડ ક્રિશ્નાનો સમાવેશ થાય છે.