ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. બોર્ડ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા અને રોલ નંબર તથા અન્ય વિગતો ભરવા માટે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે.શિક્ષણ બોર્ડના સત્તાવાર સૂત્રો મુજબ, આ 15 મિનિટમાં 5 મિનિટ ઉત્તરવહીની વિગતો લખવા અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સમજવામાં વધુ સમય મળશે અને તેઓ ઉત્તમ રીતે તૈયારી કરી શકશે.
- Advertisement -
આ વર્ષે બોર્ડની પરીક્ષા માટે 14,30,000 વિદ્યાર્થીઓનું નોંધણી થઈ છે, જે અગાઉની વર્ષો કરતા થોડા ઓછા છે. પરીક્ષાઓ માટે રાજ્યભરમાં 1661 કેન્દ્રો રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે 3303 બ્લોક ઘટાડવામાં આવ્યા છે, જ્યારે નવા 27 કેન્દ્રો ઉમેરવામાં આવ્યા છે. રાજ્યમાં 25 ફેબ્રુઆરીથી ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જે 24ડ્ઢ7 કાર્યરત રહેશે. આ સાથે, જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવામાં સરળતા રહે.
વિદ્યાર્થીઓ માટે આ વધારાનો સમય ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેઓ વધુ સંયમ અને સમજણ સાથે પ્રશ્ર્નપત્રના ઉકેલ માટે તૈયારી કરી શકશે.
પરીક્ષા માટે નિયંત્રણો
પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ વિદ્યાર્થી, અધિકારી કે કર્મચારી મોબાઈલ સાથે લઈ જઈ શકશે નહીં.
મોબાઈલ ફોનની છૂટ ફક્ત સ્ક્વોડના સભ્યોને જ આપવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રમાં શિસ્ત અને ગોપનીયતા જાળવવા માટે કડક નિયમો અમલમાં રહેશે.



