ગેમઝોન અગ્નિકાંડ બાદ ખાલી કરાવેલા હાઉસીંગ બોર્ડના
58 બ્લોકમાંથી 1 બ્લોકનું સ્ટ્રકચરલ એન્જિ. મિલન માણેકએ સ્ટેબિલિટી સર્ટિ. આપતા લાઈટ-પાણી ફરી અપાયા
દૂધસાગર રોડ પર આવેલા ડેરીલેન્ડ આવાસ યોજનાના 58 બ્લોક કે જેમાં અંદાજે 700 ફ્લેટ્સ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દૂધસાગર રોડ પર ખાલી કરાવેલા હાઉસીંગ બોર્ડના 58 બ્લોકમાંથી એક બ્લોકનું સ્ટ્રકચરલ એન્જિનિયર મિલન માણેક દ્વારા સ્ટેબિલિટી આપતા લાઈટ-પાણી ફરી અપાતા હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને હાશકારો અનુભવાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ દૂધસાગર રોડ પર આવેલા ડેરીલેન્ડ આવાસ યોજનાના 58 બ્લોક કે જેમાં અંદાજે 700 ફ્લેટ્સ છે, તે જર્જરિત હોવાથી ખાલી કરાવી અને તેના લાઈટ, પાણી કાપી નાખેલા હતા પરંતુ સ્ટેબિલિટી સર્ટિફિકેટ સ્ટ્રકચરલ એન્જિનિયર મિલન માણેક દ્વારા અપાતા હવે એક બ્લોકમાં લાઈટ પાણી જોડાણ પરત આપવામાં આવ્યું છે. જેથી હવે અન્ય બ્લોક્સમાં રેટ્રોફીટીંગનું કામ કરાવી અને બધાને લાઈટ પાણી પરત મળી શકશે અને તે લોકો ત્યાં ફરીથી રહી શકશે. હાલ સ્ટ્રકચરલ એન્જિનિયર મિલન માણેક દ્વારા રેટ્રોફીટીંગ કરાવી અને પાંચ વર્ષનું સ્ટેબિલિટી સર્ટિફીકેટ એક બ્લોકને અપાયેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વેશ્ર્વર ચોકના શિવમ કોમ્પલેક્ષના તૂટી પડેલા સ્લેબમાં પણ રેટ્રોફીટીંગ દ્વારા રિસ્ટ્રેનધનિંગ મિલન માણેકના માર્ગદર્શન દ્વારા કરવામાં આવેલું હતું. આ સમયે પણ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાતા હોકળા ઉપરનું બિલ્ડિંગ વપરાશ માટે કોર્પોરેશન દ્વારા ખોલી આપવામાં આવ્યું છે.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ જાણે મનપાના અધિકારીઓ કોઈ જવાબદારી પોતાના શિરે રાખવા માંગતા જ ન હોય તેમ શહેર પર ફાયર એનઓસી અને બીયુના નામે ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન જ જોખમી બાંધકામો દૂર કરવાનો પણ ફતવો આવ્યો હતો. જેથી દૂધસાગર રોડ પર આવેલા આવાસો ખાલી કરવા માટે મનપાએ રીતસર દમનકારી નીતિ અપનાવી હતી. દરેકને એવું જ કહ્યું હતું કે આ આવાસો હવે ગમે ત્યારે પડી જાય તેમ છે, ખાલી કરવા જ પડશે, કોઈ રીતે રીપેર થાય તેમ નથી. આ કારણે ઘણાં લોકોને એક જ રાતમાં ઘર ગુમાવવું પડ્યું હતું. આમ અંતમાં એન્જિનિયર મિલન માણેક દ્વારા હાઉસીંગ બોર્ડના બ્લોકનું સ્ટ્રકચરલ સ્ટેબિલિટી અપાતા લોકોને ફરી લાઈટ-પાણી આપવામાં આવ્યા છે.