આઠ વર્ષ પહેલા બનેલ માર્ગની મરામત કાગળ ઉપર થતી હોય માર્ગ સાવ ખલાસ: પ્રજા હેરાન પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.28
તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર ગામે જતાં મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા હોય માર્ગ ઉપરથી પસાર થવું કઠિન બની ગયું છે.માર્ગની મરામત કરાવવા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારી બાબુઓ બેરા થઈ ગયા હોય લોક સમસ્યા યથાવત રહેતા સત્તાવાળાઓ સામે ભારે લોક રોષ ભભૂકી ઉઠ્યો છે. સાંગોદ્રા ગીર ગામના લોકોના જણાવ્યા પ્રમાણે તાલાલા થી સાસણગીર જતો સ્ટેટ હાઇવેના માર્ગ પાસેથી સાંગોદ્રા ગીર ગામમાં આવવાનો મુખ્ય માર્ગ છે.બે કિ.મી નો એપ્રોચ માર્ગ આઠ વર્ષ પહેલા બન્યો હતો જેથી માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ગાબડા પડી ગયા છે.આ માર્ગ ઉપરથી પસાર થવું કઠિન બની ગયું છે તેવી વારંવાર રજૂઆતો કરવા છતાં ગ્રામીણ પ્રજાની રજૂઆત તંત્ર ઠેબે મારતું હોય માર્ગ ધીમે ધીમે સાવ ખલાસ થઈ ગયો છે.આ માર્ગ મોટા મોટા ખાડાથી ભરપૂર બની ગયો છે જેથી માર્ગ ઉપરથી પસાર થતા વાહનો પલટી ખાઈ જવાના બનાવ પણ બની રહ્યા છે છતાં સરકારી બાબુઓ માર્ગની મરામત કરાવવા પરિણામલક્ષી કાર્યવાહી કરવા આળસ રાખી મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું હોય તેવા ગ્રામજનો તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે.સાંગોદ્રા ગીર ગામનો મુખ્ય માર્ગ સાવ ખલાસ થઈ ગયો હોય છતાં પણ માર્ગની મરામત કાગળ ઉપર થતી હોય તેવી ચર્ચાઓ પણ ગામમાં થઈ રહી છે.આ અંગે ત્વરિત તપાસ કરી ગામના મુખ્ય માર્ગની યોગ્ય મરામત કરાવવા ગામમાંથી પ્રબળ લોક માંગણી ઉઠી છે.



