ચોમાસામાં વોંકળામાં પુર આવતા ગામ વારંવાર વિખુટું પડી જાય છે
આંબળાશ ગીર ગ્રામ પંચાયત દ્વારા વારંવાર કરવામાં આવેલ રજૂઆત કચરા ટોપલીમાં: ગ્રામજનોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર ગામમાંથી પસાર થતા વોંકળા ઉપર ચોમાસાના પુરના પાણીના ભરાવાને કારણે ગામ વારંવાર વિખુટું પડી જતું હોય ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે.આંબળાશ ગીર ગ્રામ પંચાયત દ્વારા ગામમાંથી પસાર થતા વોંકળા ઉપર આહીર સમાજ તથા દલિત મહોલ્લા પાસે બેઠા પુલ બનાવવા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે.આ રજુઆત ધ્યાને લેવાને બદલે ગ્રામ પંચાયતની રજુઆત બાંધકામ ખાતાના બાબુઓ કચરા ટોપલીમાં નાખી દેતા હોય સત્તાવાળાઓ સમક્ષ ભારે લોક રોષ ફેલાયો છે. આંબળાશ ગીર ગામમાંથી પસાર થતા વોંકળામાં ચોમાસા દરમ્યાન વારંવાર પુર આવે ત્યારે વોંકળાનું પાણી ગામમાં શેરી મહોલ્લામાં ભરાઈ જાય છે અને ગામ વિખુટું પડી જાય છે.આંબળાશ ગીર વિસ્તારમાં જ્યારે જ્યારે વરસાદ શરૂૂ થાય તુરંત વોંકળામાં પુર આવી જાય છે અને ગામ વિખુટું પડી જાય છે.
- Advertisement -
ગામની આ લોક સમસ્યા કાયમી દૂર કરવા ગામમાંથી પસાર થતા વોંકળા ઉપર આહીર સમાજ તથા દલિત મહોલ્લા પાસે બે અલગ અલગ બેઠા પુલ બનાવવા ખુબ જ જરૂરી છે.ગામમાંથી પસાર થતા વોંકળાના કાંઠે આરોગ્ય કેન્દ્ર આવેલ છે.ચોમાસામાં વોંકળામાં જ્યારે પુર આવે ત્યારે આરોગ્ય કેન્દ્ર માં જવું પણ લોકો માટે કઠીન બની જાય છે જેથી ચોમાસા દરમ્યાન ગ્રામજનો વારંવાર આરોગ્ય સેવાથી પણ વંચિત રહે છે.આંબળાશ ગીર ગામની પ્રજાના પ્રાણ પ્રશ્ર્નનો પરીણામલક્ષી નિવારણ લાવવા બાંધકામ વિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે છતા પણ ગામની આ લોક સમસ્યા નું સુખરૂૂપ નિવારણ લાવવા સતાવાળાઓ આળશ રાખી ગામને ભારે અન્યાય કરી રહ્યા છે.આ અંગે તુરંત ઘટતું કરવા ગામના અગ્રણી ભરતભાઈ વાછાણી એ બાંધકામ વિભાગ સમક્ષ માંગણી કરી છે.