રાજકોટ સહિત રાજ્યભરની રેવન્યુ કચેરીઓમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કરારઆધારિત કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન મુજબ પગારના તમામ પ્રકારના લાભો આપવાની માગણી સાથે કામગીરીથી અળગા રહી સજ્જડ હડતાલ પાડી હતી. જેની રેવન્યુ કામગીરી ઉપર વ્યાપક અસર થવા પામી હતી. કરારી કર્મચારીઓની આ હડતાલને પગલે જિલ્લા કલેક્ટર કચેરીનાં જનસેવા કેન્દ્ર તેમજ મામલતદાર કચેરીઓમાં 7/12, 8-અ તેમજ આવકના દાખલા કાઢવાની કામગીરી ઠપ્પ બની જતાં દેકારો બોલી જવા પામ્યો હતો. રેવન્યુ કચેરીઓનાં કરારી કર્મચારીઓએ દેખાવો કરી જણાવ્યું હતું કે એજન્સીઓ દ્વારા તેઓને પૂરો પગાર નહીં આપી તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 15000ના બદલે રુા. 8800નો પગાર તેઓને આપવામાં આવી રહ્યો છે. તેઓએ વ્યાજબી માંગો સાથે પાડેલી આ હડતાલ દરમિયાન પણ તેઓની માંગણીઓ ધ્યાનમાં લેવાના બદલે તેઓને ફરજ ઉપર હાજર થઇ જવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. તેઓએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે આઉટ સોર્સિંગ કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવે અથવા તો સમાન કામ સમાન વેતન અંતર્ગત તેમની સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ જ પગારના તમામ લાભો આપવામાં આવે તે તેમની મુખ્ય માંગણી છે.
રેવન્યુ કચેરીઓમાં કરારી કર્મચારીઓની હડતાલ

Follow US
Find US on Social Medias