જિલ્લામાં વરસાદના કારણે પંચાયત હસ્તકના ખરાબ થયેલ રોડ રસ્તા ઓનો ત્વરીત સર્વે કરીને કામગીરી શરૂ કરવા તાકિદ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છેકે રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓના પદાધિકારીઓ સાથે સંકલન કરી અને જિલ્લા પંચાયત ના દરેક વિભાગના શાખા અધિકારીઓની સાથે પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક સભાખંડમાં મળી હતી. જેમાં દરેક વિભાગના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી,દરેક શાખાના પ્રગતિમાં રહેલા કામો,પેન્ડીંગ કામોના કારણો સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
નાણાપંચના તમામ કામોની વહીવટી પ્રક્રિયા ઝડપી પુર્ણ કરી કામો વહેલાસર પુર્ણ કરવા, બાંધકામ શાખાને ઝ.જ., વહીવટી તથા ટેન્ડર,રિટેન્ડર સહિતની પ્રક્રિયાઓ ઝડપી કરવા, રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના ગેરંટી પીરીયડવાળા તમામ રોડનો વહેલી તકે સર્વે કરી,જે તે એજન્સી પાસે રીપેરીંગ કરવા તથા રોડ સબંધી જરૂરી કામગીરી કરવા, ચોમાસાની સિઝન લગભગ પુર્ણતાના આરે છે,ત્યારે સિઝન દરમિયાન પાણી ભરાવાના લીધે સિંચાઈ વિભાગના અટકેલા કામોને ફરીથી ગતી આપી પુર્ણ કરવા તેમજ આ ઉપરાંત ખરાબ રોડ સહિતની જિલ્લા પંચાયત સદસ્યો,આગેવાનો,સંગઠન ના હોદેદારો તથા સરપંચઓ દ્વારા આવતી રજુઆતોમાં ગંભીરતા દાખવીને અગ્રતા આપવા માટે પણ શાખાધિકારીઓને સુચના આપવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.