ગંદકી બદલનો દંડ વેરા બીલમાં ચડી જશે : હોકર્સ ઝોનમાં ગંદકી કરનારાના થડા હવે રદ્દ
રાત્રી બજારોમાં સ્વચ્છતા સમિતિની રચના થશે : કમિશનર આનંદ પટેલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરમાં લગભગ છેલ્લા ચારેક મહિનાથી સઘન સફાઇ અભિયાન ચાલી રહ્યા છે. હવે મહાનગરમાં સ્વચ્છતાના ધોરણે ઉપર લાવવા, રેન્ક સુધારવા કડક દંડ સહિતના નવા આકરા પગલા પણ તંત્રએ જાહેર કર્યા છે ત્યારે હોકર્સ ઝોનમાં ગંદકી કરનારાના થડા રદ્દ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોર્પો.ના કોઇ પણ પ્રકારના દંડ કે વહીવટી ચાર્જ ન ભરનાર નાગરિકના મિલ્કત વેરાના બીલમાં આ રકમ ચડાવી દેવા સૂચના અપાયાનું આજે કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું. શહેરમાં હોકર્સ ઝોન, શાક માર્કેટ જેવા સ્થળો બહાર અને અંદર પણ કચરો ફેંકવા, ગંદકી જેવી પ્રવૃતિ વધુ જોવા મળે છે. હોકર્સ ઝોનમાં મહાપાલિકા થડા ભાડે આપીને શાકભાજી જેવા ધંધા માટે પરવાના આપે છે. તો આવા ઝોનમાં અનેક સ્થળે રાત્રીબજાર પણ ભરાતી હોય છે. આવી ખાણીપીણી બજાર બહાર પણ ગંદકીનો પ્રશ્ન રહે છે. આથી મનપા પોતાની માલિકીની જગ્યામાં કે આજુબાજુમાં કચરાના નિકાલ, ન્યુસન્સ પોઇન્ટ, ગંદકી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા માંગે છે.
કમિશ્નરે કહ્યું હતું કે, 99 જેટલા હોકર્સ ઝોન હાલ ચાલી રહ્યા છે. આ તમામ ઝોનમાં ત્યાં જ વ્યવસાય કરતા ચારથી પાંચ સભ્યોની સ્વચ્છતા સમિતિ બનાવવામાં આવશે. ઝોનમાં સ્વચ્છતાના ધોરણોનો અમલ કરાવવા તેમને છુટછાટ આપવામાં આવશે. સૂચનાઓ છતાં જો કોઇ ધંધાર્થી બેદરકારીથી અસ્વચ્છતા ફેલાવે તો તેનો રીપોર્ટ કરવામાં આવશે. આ બાદ આ ધંધાર્થીનું લાયસન્સ રદ્દ કરી ભવિષ્યમાં તેમને અન્ય કોઇ હોકર્સ ઝોનમાં થડો ન મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે.
સ્વચ્છતા સમિતિ આવી ફરીયાદ મનપાને કરે એટલે પર્યાવરણ વિભાગની ટીમ સ્થળ પર તપાસ માટે જઇને કાર્યવાહી કરશે. ટુંક સમયમાં આ માટે હોકર્સ ઝોનના ધંધાર્થીઓ સાથે મીટીંગ કરાશે.
અન્ય એક મહત્વની વાતમાં આનંદ પટેલે જણાવ્યું હતું કે, જાહેરમાં થૂંકવા, ગંદકી કરવા, કચરો ફેંકવા, ન્યુસન્સ કરવા બદલ મનપા દુકાનો પર જઇને કે ઇ-મેમો મોકલીને દંડ વસુલે છે. મંજૂરી વગર ઠેર ઠેર બોર્ડ અને બેનર લગાડી દેતા ધંધાદારી આસામીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ અનેક વખત આવા લોકો દંડ ભરવાનો ઇન્કાર કરે છે.
આથી વાહન નંબરના આધારે આપવામાં આવતા ઇ-મેમો કે દુકાનદારોને આપવામાં આવતી વહીવટી ચાર્જની પહોંચ બદલ જો સપ્તાહમાં રકમ ભરવામાં ન આવે તો જે તે આસામીના મિલ્કત વેરાના બીલમાં આ દંડની રકમ ઉમેરી દેવામાં આવશે.
આ માટે વેરા અને આઇટી શાખા દ્વારા નવો સોફટવેર બનાવવામાં આવી રહ્યો છે. કોઇ બેદરકાર નાગરિક દંડ ન ભરે તો તેના વેરા બીલમાં આ રકમ આપોઆપ ચડત થઇ જાય તેવી વ્યવસ્થા તુરંત લાગુ કરવાના નિર્દેશ કમિશ્નરે આપ્યા હતા.
- Advertisement -
70 ટકા લોકો ઇ-મેમો ભરતા નથી!
મહાપાલિકા દ્વારા જાહેરમાં થૂંકતા અને ગંદકી કરતા લોકો પૈકી 70 ટકાથી વધુ લોકો ઇ-મેમો ભરતા નથી તેવું પર્યાવરણ વિભાગ કહે છે. સીસીટીવીના આધારે રોજ ગંદકી કરનારાને વાહન નંબરના આધારે ઇ-મેમો મોકલવામાં આવે છે. તેમાંથી ખુબ ઓછી સંખ્યામાં આવા નાગરિકો વોર્ડ ઓફિસ કે મનપા કચેરીમાં દંડ ભરે છે. બાકીના દરકાર લેતા નથી. કોર્પો. પાસે આ દંડ વસુલવા અન્ય કોઇ રસ્તો નથી. આથી જ હવે આવા આસામીઓના વેરા બીલમાં રકમ ઉમેરી દેવા નકકી કરાઇ રહ્યું છે.