ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાશિવ રાત્રિના મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે તંત્રએ જરુરી કાર્યવાહી હાથ ધરી છે. આ માટે ભવનાથ વિસ્તારમાં બે દિવસમાં પ્લાસ્ટિકનો વપરાશ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવતા રુ.33,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે ખાસ 20 કર્મચારીઓ સાથેની 4 ટીમ બનાવવામાં આવી છે. જે વિવિધ દુકાનો તથા ઉતારા મંડળોમાં ફરીને પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ચેકિંગ હાથ ધર્યું છે. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવે તો દંડ સહિત જરુરી કાર્યવાહી કરવામાં આવી છે. ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો જથ્થો પૂરો ન પાડવામાં આવે તે માટે હોલસેલ વેપારીઓને પણ પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિક જથ્થો પૂરો ન પાડવા માટે પણ જૂનાગઢ મનપા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેનું ઉલ્લંઘન કર્યે જપ્તી સહિતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.