લઠ્ઠાકાંડના આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરાશે: ગૃહ રાજ્યમંત્રીની વિધાનસભામાં ખાતરી
આરોપીના જામીન રદ્દ કરાવવા સરકારની કોર્ટમાં માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગયા વર્ષે રાજ્યમાં બોટાદ જિલ્લાના બરવાળા ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં મરણ પામેલા 30થી વધુ લોકોના વારસદારોને સહાય કરવાની એક ધારાસભ્યએ વિધાનસભામાં રજૂ કરેલી માગણી ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ધરાર ફગાવી દીધી છે. આ ધારાસભ્યએ સદર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી સમીર પટેલ જે અત્યારે છૂટથી બહાર ફરે છે, તેની સામે પાસા-ગુજસીટોક જેવા કાયદા તળે કાર્યવાહી કરવાની માગ કરી હતી, જેના પ્રત્યુત્તરમાં ગૃહરાજ્ય મંત્રીએ મુખ્ય આરોપીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, આરોપીને કોર્ટે જામીન આપ્યા છે, પણ એ જામીન રદ કરાવવા સરકાર કોર્ટમાં ગઈ છે, આ બનાવમાં આઇપીસીની વિવિધ કલમો લગાવી સૌથી ઝડપી ચાર્જશીટ દાખલ થઈ છે, ગુજસીટોકના કાયદાનો ઉપયોગ માત્ર સંગઠિત ગુનામાં જ થઈ શકતો હોઈ આ કેસમાં તેની કલમો લગાવી શકાઈ નથી, પરંતુ ‘પાસા’ સહિત હજી વધુ કડક કાર્યવાહી માટે આ કેસમાં સરકાર તૈયાર છે.
વિપક્ષના એક નેતાની પૃચ્છાના સંદર્ભમાં ગૃહરાજ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, બનાવના દિવસે જ સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષકથી માંડીને પીએસઆઇ સુધીના ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડ સંદર્ભે ડીવાય.એસ.પી.થી લઈને પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓને તે જ દિવસે ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ક્યાંય પણ આવી ઘટના બને તો સરકાર એક પણ ક્ષણના વિલંબ વગર જવાબદાર અધિકારીઓ સામે ત્વરીત પગલાં ભરે જ છે.
- Advertisement -
તેમજ બોટાદ ઘટનાં અને બુટલેગર મહિલાઓ અંગે હર્ષ સંઘવી ઉમેર્યું કે, દારૂની બદીના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓને અન્ય રોજગારી મળી રહે એ માટે રાજ્ય સરકાર સમાજને સાથે લઈને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે જેમાં આણંદ જિલ્લામાં 64 જેટલી મહિલાઓને અમૂલના પાર્લર દ્વારા રોજગારી અપાઈ છે.