ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 28 નિર્દોષોના મોત પછી રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર સજાગ બન્યું છે. પોરબંદર મનપાએ પણ એલર્ટ મોડમાં આવીને શહેરની ફાયર એનઓસી વિહોણી બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાએ અગાઉ 60 આસામીઓને ફાયર એનઓસી મેળવવા માટે આખરી નોટિસ પાઠવી હતી. આ પગલાં બાદ પણ અનેક બિલ્ડિંગોએ જરૂરી મંજૂરી લીધી ન હતી. જેને પગલે મનપાએ વીજતંત્રને આ બિલ્ડિંગોનું વીજ કનેક્શન કાપવા માટે આદેશ કર્યો હતો.
- Advertisement -
વીજતંત્ર દ્વારા ત્રણ નોટિસ ફટકાર્યા બાદ પણ કોઈ અસર ન થતાં સોમવારે મનપા અને વીજતંત્રની સંયુક્ત ટીમે પોલીસની ઉપસ્થિતિમાં કુલ 12 બિલ્ડિંગો પર કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીથી શહેરના બિલ્ડરો અને આસામીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. મનપાના સૂત્રોએ જણાવ્યુ કે, હવે પાણી કનેક્શન સહિત અન્ય સેવાઓ પર પણ પગલાં લેવામાં આવશે.
મનપા અને ફાયર વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફાયર એનઓસી વગરની કોઈ પણ કોમર્શિયલ કે રહેણાક બિલ્ડિંગ સુરક્ષિત ગણાશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે. સોમવારે કરાયેલી કાર્યવાહી દરમિયાન ’કુબેર વિન્ટેજ’ અને ’રાજધાની હોટેલ’ના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે બિલ્ડિંગના માલિકોએ ફાયર એનઓસી માટે અરજી કર્યાનું જણાવી દસ્તાવેજ રજૂ કર્યા હતા. બાકીના 8 બિલ્ડિંગો રેસિડેન્શિયલ હોવાને કારણે મનપા કમિશનરે તેમને અંતિમ તક આપીને તાત્કાલિક ફાયર એનઓસી મેળવવા સૂચના આપી છે.