ચીન-જાપાનનો ખટરાગ વધ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જાપાન અને ચીન વચ્ચેની તકરાર દિવસને દિવસે વધારે ગંભીર બની રહી છે. જાપાન અને ચીન વચ્ચેની દુશ્ર્મની દાયકાઓ જૂની છે. તેમા પણ જાપાને પોતાના ફુકુશીમા રિએક્ટરમાંથી રેડિઓએક્ટિવ પદાર્થોવાળુ ઝેરી પાણી દરિયામાં છોડ્યા બાદ ચીન વધારે અકળાયુ છે.
ચીન તરફથી જાપાનના પાણી છોડવા સામે વિરોધ નોંધાવાયો હતો. જાપાનને ચીનમાંથી ધમકી આપતા કોલ્સ પણ મળ્યા હતા. જોકે 24 ઓગસ્ટથી જાપાને પાણી છોડવાનુ શરુ કરી દીધુ છે. જેના પ્રત્યાઘાત રૂૂપે ચીનમાં મોજૂદ જાપાનના દૂતાવાસ તેમજ સ્કૂલો પર હુમલા થયા છે. પથ્થરો ફેંકવાની ઘટના પણ બની છે અને તેની સામે જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે, ચીનમાં અમારા દૂતાવાસ તેમજ સ્કૂલો પર પથ્થરો ફેંકવામાં આવ્યા છે. હું આ પ્રકારના હુમલાની નિંદા કરુ છું. અમે ચીનના જાપાન સ્થિત રાજદૂતને તલબ કર્યા છે. બીજી તરફ દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જાપાને ચીનમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા માટે અને જાહેરમાં જાપાની ભાષાનો ઉપયોગ નહીં કરવા પણ સલાહ આપી છે.