વાવાઝોડાથી વીજક્ષેત્રને રૂા.783 કરોડના નુકસાનનો દાવો, પણ વાસ્તવિકતા અલગ!
ઉત્તર ગુજરાતના 1,120 ગામોમાં વીજસપ્લાય બંધ હાલતમાં : જિલ્લાના 6 ગામોમાં ભારે વરસાદના તોફાનથી વીજસપ્લાયને અસર થઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્ય સરકારની વીજપ્રવહન કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ’જેટકો’ અને વીજવિતરણ કંપનીઓના વીજમાળખાને કુલ મળીને અંદાજે રૂ.783 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે, અલબત્ત આ નુકસાનીના દાવાને વાસ્તવિક્તા સાથે મેળ પડતો નથી, કેમ કે, વાવાઝોડાએ જ્યાં હાહાકાર મચાવ્યો તે કચ્છ-સૌરાષ્ટના જિલ્લાઓને આવરી લેતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને રૂ.104 કરોડનું અને ઉત્તરગુજરાત વીજકંપનીને રૂ.5.50 કરોડનું નુકસાન બતાવાયું છે, જ્યારે ’જેટકો’ દ્વારા હજી નુકસાન અંગે સર્વે થઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
સોમવારે મોડી સાંજના પીજીવીસીએલના રિપોર્ટ પ્રમાણે કચ્છ જિલ્લામાં ભુજ અને અંજારના સર્કલમાં કુલ મળીને રૂ. 18.77 કરોડનું અને દ્વારકા તથા જામનગર જિલ્લાઓને આવરી લેતા જામનગર સર્કલમાં સૌથી વધુ 57.73 કરોડનું નુકસાન દર્શાવાઈ રહ્યું છે. પીજીવીસીએલના રિપોર્ટ મુજબ કુલ 39,162 વીજથાંભલાને તથા કુલ 5,361 ટ્રાન્સફોમ્ર્સને નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે યુજીવીસીએલના રિપોર્ટ મુજબ પાલનપુર સર્કલ ખાતે સૌથી વધુ રૂ.3.25 કરોડના નુકસાનની ગણતરી મુકાઈ છે.
ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્વારકા અને જામનગર જિલ્લાઓને સમાવતી જામનગર સર્કલ ઑફિસ હેઠળના 64 ગામડાંમાં તેમજ કચ્છ જિલ્લામાં ભુજ સર્કલ ઑફિસ હેઠળના 269 ગામોમાં તથા અંજાર સર્કલ ઑફિસ હેઠળના 240 ગામોમાં હજી સોમવારની રાત સુધી લાઈટો આવી નથી.
- Advertisement -
ઉ. ગુજરાતના 1,120 ગામમાં વીજસપ્લાય બંધ હાલતમાં ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવાર રાત સુધી બનાસકાંઠા જિલ્લાના 594, પાટણના 283, સાબરકાંઠાના 117, અમદાવાદના 57, મહેસાણાના 27, અરવલ્લીના 31, ગાંધીનગરના 5 અને ખેડા જિલ્લાના 6 ગામોમાં ભારે વરસાદના તોફાનથી વીજસપ્લાયને અસર થઈ છે.