3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની ગુલાબી નોટ પરત આવી
ખાસ-ખબર સંવાદદાતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 19 મે 2023ના સર્ક્યુલેશનમાંથી 2000 રુપિયાની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નોટ બદલવાની સુવિધા દેશની તમામ બેંક અને નોટ પરત કરવા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
- Advertisement -
હવે આરબીઆઈએ બેંકોમાં જમા કરવામાં આવેલી નોટની સંખ્યાનો આંકડો રજૂ કર્યો છે. 31 જુલાઈ, 2023 સુધી માર્કેટમાં 3.14 લાખ કરોડ રુપિયાના મૂલ્યની ગુલાબી નોટ પરત આવી ચૂકી છે. આમ છતાં, હજુ પણ 42,000 કરોડ રુપિયાના મૂલ્યની 2,000 નોટ માર્કેટમાં છે. 31મી માર્ચ, 2023 સુધી દેશમાં લગભગ 3.56 લાખ કરોડ રુપિયાના મૂલ્યની 2,000 નોટ ચલણમાં હતી, જેમાં 31 જુલાઈ 2023 સુધીમાં 3.14 લાખ કરોડની નોટ પરત આવી હતી, એમ આરબીઆઈએ જણાવ્યું હતું.
19 મે, 2023 પછી 88 ટકા 2,000 રુપિયાની નોટ પરત આવી છે અને એનું કુલ મૂલ્ય 3.14 લાખ કરોડ રુપિયા છે. હવે માર્કેટમાં ફક્ત 0.42 લાખ કરોડ રુપિયાની નોટ બચી છે. જૂન મહિનામાં રિઝર્વ બેંકે ટેડા રજૂ કર્યો હતો, જેમાં 2.72 લાખ કરોડની કિંમતની 2,000 રુપિયાની નોટ પરત આવી ચૂકી છે અને 84,000 કરોડ રુપિયાની નોટ હજુ લોકો પાસે છે, પરંતુ એક મહિનામાં આ આંકડાની સંખ્યા અડધી થઈ ગઈ છે, એમ આરબીઆઈએ જણાવ્યું હતું.
મે મહિનામાં જયારે રિઝર્વ બેંકે 2000 રુપિયાની ગુલાબી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા પછી નોટને બેંક મારફત બદલવાની પ્રક્રિયા શરુ કરી હતી. શરુઆતમાં બેંકમાં ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે બેંકમાં મોટા ભાગે લોકો નોટ બદલવા જોવા મળતા નથી. કેન્દ્રીય બેંકે 2000 રુપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કર્યા પછી 23મી મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં નજીકની કોઈ પણ બેંક પૈસા જમા કરવા અથવા બદલવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંક દ્વારા કરેલી ભલામણ પણ રંગ લાવી છે.