ધો. 1 થી 3માં અંગ્રેજી વિષય શરૂ કરવાના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા શિક્ષણમંત્રીને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી તેમજ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામક દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિને આવકારવામાં આવી છે જયારે રાજ્યની શિક્ષણનીતિ દિશાહીન હોવાનું જણાવીને ધોરણ 1 થી 3 માં અંગ્રેજી વિષય શરુ કરવાના સરકારના દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયમાં ફેરવિચારણા કરવા શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, કેન્દ્રમાં અને ગુજરાતમાં તથા અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પક્ષની સરકાર છે ત્યારે શિક્ષણમંત્રી પાસે ગુજરાતના શિક્ષણ જગતને વિશેષ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે પરંતુ હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં
આવી છે.