આવતીકાલથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની કસોટી શરૂ થનાર છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 12માં રાજકોટ જીલ્લા પર લગભગ 7000 વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે તથા ધોરણ 10ના 15000 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટ અને દરેક તાલુકા મથક પર આમ 11 તાલુકા મથક પર પરીક્ષા આપશે. પરીક્ષા માટે ટોટલ 108 બિલ્ડીંગો રાખવામાં આવી છે જેમાં કોવિડ 19ના દરેક નિયમોનું પાલન, પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે તથા કોરોનાના લક્ષણો જણાય તેવા વિદ્યાર્થીઓ માટે આરોગ્યની ટીમ દરેક કેન્દ્ર પર તૈનાત કરવામાં આવી છે તેવું જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું.
એસ.એસ.સી.માં 48 સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર એક-એક તથા એચ.એસ.સી.માં 9 કેન્દ્રો પર એક-એક અધિકારી વર્ગ-1 અને 2ની તકેદારી માટે નિમણુંક કરવામાં આવેલ છે.
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દરેક પરીક્ષા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપવામાં આવેલ હતી. પીજીવીસીએલ તરફથી તમામ પરીક્ષા સ્થળ પર સંપૂર્ણ સમય દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની સૂચના આપવામાં આવેલ હતી. જીએસઆરટીસીના વિભાગીય વડા તેમજ રાજકોટ સીટી બસનું આયોજન, વ્યવસ્થા જાળવતાં અધિકારીઓને વિદ્યાર્થીઓને રાજકોટ આવવા તથા રાજકોટના વિવિધ વિસ્તારમાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સહેલાઈથી પહોંચી શકે તે હેતુસર જરૂરી વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ હતું. તાલુકા કક્ષાએ તથા શહેર કક્ષાએ કોવીડ-19 અન્વયે જરૂરી સેનીટાઈઝેશન તથા થર્મલ ગન, સેનીટાઈઝરની વ્યવસ્થા તથા અન્ય આરોગ્ય વિષય જરૂરીયાત પૂરી પાડવા લગત કચેરીના અધિકારીઓને જણાવવામાં આવેલ હતું. સમગ્ર પરીક્ષા દરમિયાન કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી કોઈ વિદ્યાર્થીઓને વહીવટી તથા અન્ય માર્ગદર્શન મળી રહે. માર્ગદર્શન અને જરૂરી જાણકારી માટે કંટ્રોલ રૂમ તા. 14 જુલાઈથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે જેનો સંપર્ક નંબર (0281) 2226889 છે. વધુમાં હોસ્પીટલ ચોકમાં હાલ ઓવરબ્રીજનું કામ ચાલુ હોય આઈ.પી. મિશન શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની થતી હોય તેઓએ તેમની બાજુમાં આવેલ ચર્ચમાંથી પ્રવેશ મેળવવાનો રહેશે.