34,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળા તેમજ 12,000 ખાનગી શાળાના 57 લાખ વિદ્યાર્થી માટે મહત્વની કસોટી
ધો.5 અને 8માં નાપાસ વિદ્યાર્થીઓને પ્રમોશન નહીં, 3 મહિનાનો વિશેષ અભ્યાસ કરાવાશે ત્યાર બાદ પુન:પરિક્ષા લેવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2025-26ની અંતિમ સત્રાંત પરીક્ષાનો આજથી મંગલ પ્રારંભ થયો છે. રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી કુલ આશરે 46,000 શાળાઓના 57 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા દ્વારા પોતાની શૈક્ષણિક ક્ષમતા સાબિત કરવા મેદાનમાં ઊતર્યા છે.
આ પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આજે 6 એપ્રિલથી શરૂ થઈ છે, જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 13 એપ્રિલથી શરૂ થશે. પ્રથમ દિવસે આજે ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓએ સવારે 8:00 થી 10:00 દરમિયાન ગુજરાતી (પ્રથમ અને દ્વિતીય ભાષા) વિષયનું 40 ગુણનું પેપર આપ્યું હતું. આ સત્રાંત પરીક્ષામાં રાજ્યની અંદાજે 34,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ 12,000 ખાનગી શાળાઓના લાખો વિદ્યાર્થીઓ નોંધાયા છે. પ્રશ્ર્નપત્રો ૠઈઊછઝ દ્વારા નિર્ધારિત માળખા મુજબ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લર્નિંગ આઉટકમ આધારિત (પરિણામલક્ષી) પ્રશ્ર્નોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓને સીધો પ્રમોશન આપવામાં નહીં આવે. શાળાઓ દ્વારા આવા વિદ્યાર્થીઓને ત્રણ મહિનાનો વિશેષ અભ્યાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ પુન: પરીક્ષા લેવામાં આવશે. પુન: પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જ આગળના ધોરણમાં પ્રવેશ મળશે. ખાનગી શાળાઓ માટે પણ સરકાર દ્વારા નક્કી કરાયેલ સમયપત્રકનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મુખ્ય વિષયો જેમ કે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાના માળખા અનુસાર રહેશે, જ્યારે ગૌણ વિષયોની પરીક્ષા શાળાઓ પોતાની રીતે લઈ શકશે. આ રીતે સમગ્ર રાજ્યમાં પરીક્ષાનો માહોલ છવાઈ ગયો છે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ પરીક્ષા નિર્વિઘ્ન અને પારદર્શક રીતે યોજાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.



