ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી મોરબીને મોડલ બનાવવા મંત્રીએ અપીલ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે ઝુંબેશનો શુભારંભ મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
- Advertisement -
મોરબી ખાતેથી પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમૂનારૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.
આ તકે મંત્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે 50 જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.